GUJARAT

અરવિંદ કેજરીવાલનું ખેડૂત અને પશુપાલકોને સમર્થન

*અરવિંદ કેજરીવાલનું ખેડૂત અને પશુપાલકોને સમર્થન*

*ખેડૂત – પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કર્યાં પ્રહાર*

*ખેડૂતો પર નહીં, મારા પર પહેલી ગોળી ચલાવો: કેજરીવાલ*

*પશુપાલકોએ પોતાના હક માટે આંદોલન કર્યું તો તેમના પર લાઠીચાર્જ કર્યો: કેજરીવાલ*

*ભાજપવાળા ગરીબ ખેડૂતોના પૈસા લૂંટીને મોટા મોટા મહેલો બનાવી રહ્યા છે: કેજરીવાલ*

*ગુજરાત સરકાર અમીરો અને અદાણીની છે, અમે ખેડૂતો અને પશુપાલકો સાથે છીએ: કેજરીવાલ*

*મૃત અશોક ચૌધરીના પરિવારને ડેરી તરફથી એક કરોડ અને ગુજરાત સરકાર તરફથી એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે: કેજરીવાલ*

*જે ઝાડૂથી આપણે ઘર અને દુકાન સાફ કરતા હતા, એ જ ઝાડૂથી હવે આપણે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખો દેશની ખરાબ વ્યવસ્થા સાફ કરીશું: ભગવંત માન*

*કોંગ્રેસ જો પશુપાલકોની સાથે હોત તો અમને દિલ્હી અને પંજાબથી અહીં આવવું નહીં પડત, ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો છે: ભગવંત માન*

*ખેડૂતો અને પશુપાલકોના આંદોલનને ગુજરાતના દરેક જિલ્લામાં પહોંચાડવામાં આવશે: ઈસુદાન ગઢવી*

*પશુપાલકો પર અત્યાચાર કરીને ભાજપે ગુનો કર્યો છે, 2027માં તેનો ભોગવટો કરવો પડશે: ઈસુદાન ગઢવી*

*પાટીલએ ખૂણે ખૂણે કમળમ બનાવ્યાં, જમીનો ખરીદી: ગોપાલ ઇટાલિયાનો આરોપ*

*આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં ખેડૂતો અને પશુપાલકોને યોગ્ય ભાવ નથી મળતો: ગોપાલ ઇટાલિયા*

*અમદાવાદ/સાબરકાંઠા/બનાસકાંઠા/અરવલ્લી/ગુજરાત*

ગુજરાતમાં પોતાના દૂધના યોગ્ય ભાવની માંગ કરી રહેલા પશુપાલકો અને ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં એક પશુપાલકનું મોત થયું હતું. આ ગંભીર મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ગુજરાત પધાર્યા છે. ગતરોજ સાંજે વડોદરા એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના બંને રાષ્ટ્રીય નેતાઓનું આગમન થયું હતું. ત્યારબાદ આજે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ સાબર ડેરીના અન્યાયનો ભોગ બનેલા ખેડૂતો, પશુપાલકોના સમર્થનમાં મોડાસા ખાતે મહાપંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, નોર્થ ઝોન પ્રભારી રાજેશ શર્મા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા સામંત ગઢવી, લોકસભા ઇન્ચાર્જ જયદીપસિંહ, લોકસભા ઇન્ચાર્જ ભરત પટેલ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચૌહાણ સહિત આમ આદમી પાર્ટીના અનેક પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખો, ખેડૂતો અને પશુપાલક સમાજના આગેવાનો અને સામાજિક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સાબરકાંઠાની ભૂમિ ન્યાય માંગી રહી છે, પોતાનો હક માંગી રહી છે અને સન્માન માંગી રહી છે. થોડા દિવસ પહેલાં જ્યારે પશુપાલક ભાઈઓ દૂધના ભાવ ફેરની માંગણી લઈને ડેરી સમક્ષ ગયા ત્યારે નિર્દય ભાજપ સરકારે પશુપાલકો પર લાઠીચાર્જ કરાવ્યો અને ટીયર ગેસના સેલ છોડાવ્યા. એમાં આપણે આપણા એક ગરીબ પશુપાલક ભાઈને ગુમાવી દીધો, જેનું મને ખૂબ જ દુઃખ છે. માટે આજે હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પશુપાલકોને સમર્થન આપવા માટે આવ્યા છીએ. પશુપાલકો ભાવફેરની માંગણી લઈને ગયા તો તેમને ફક્ત 9.5% ભાવ ફેર આપવાની જાહેરાત કરવામાં આવી. અગાઉના વર્ષોમાં પશુપાલકોને 16 થી 17% ભાવ ફેર મળતો હતો. તો મારો સવાલ છે કે હવે શા માટે 9.5% ભાવ ફેર મળી રહ્યો છે? ઉપરના પૈસા ક્યાં ગયા? ભાજપના લોકોએ પશુપાલકોના પૈસાથી હકીકતમાં પોતાના મહેલો બનાવી લીધા છે. પશુપાલકોના પૈસા સ્વિસ બેંકમાં જતા રહ્યા અને પશુપાલકોના પૈસાથી જ ભાજપની ચૂંટણીઓની રેલીઓ થઈ રહી છે. આ લોકો ખેડૂતોના પૈસેથી આજે ગાડીઓ, બંગલા અને હેલિકોપ્ટર ખરીદી રહ્યા છે.

આ લોકો એટલા ખરાબ માણસો છે કે એક પશુપાલક ભાઈ અશોક ચૌધરીનું મૃત્યુ થઈ ગયું તેમ છતાં પણ આ લોકો પશુપાલકોની માંગણીઓ માનવા માટે તૈયાર નથી. જ્યારે આ ઘટના ઘટી, ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને 18 તારીખે બપોરે 12:00 વાગે જાહેરાત કરી કે પશુપાલકોના મુદ્દા પર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવશે. ત્યાર બાદ બપોરે ત્રણ વાગે આ લોકોએ એલાન કર્યું કે પશુપાલકોને 17% ભાવ ફેર મળશે. પણ હું કહેવા માંગીશ કે હજુ આ લોકોએ કોઈને ભાવ ફેર આપ્યો નથી. આ ફક્ત એલાન છે અને આ એક જૂઠું એલાન છે. ઈસુદાન ગઢવીએ મને જણાવ્યું કે તેઓ જ્યારે અશોક ચૌધરીના ઘરે ગયા ત્યારે તેમણે જોયું કે તેઓ ખૂબ જ ગરીબ હતા અને મૃતક અશોકભાઈ ચૌધરીના ઘર પર છત પણ નથી. આવા ગરીબ લોકોના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. ગરીબોના પૈસા લૂંટનારા આ લોકો નરકમાં જશે.

મારો એક સિમ્પલ સવાલ છે કે સરકારે આ પશુપાલકો સાથે બેસીને વાતચીત કેમ ન કરી? વાતચીત કરવાની જગ્યાએ આ લોકોએ પશુપાલકો પર બેરહેમીપૂર્વક હુમલો કર્યો અને લાઠીઓ ચલાવી — એ ભાજપનો અહંકાર છે. મને ત્યારે વધારે આશ્ચર્ય થયું જ્યારે અશોક ચૌધરીનું મૃત્યુ થઈ ગયું તેમ છતાં પણ આજે સુધી તેમના માટે કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી. હું આજે મોડાસાના આ મંચ પરથી માંગ કરું છું કે મૃતક અશોક ચૌધરીના પરિવારને ડેરી તરફથી એક કરોડ અને ગુજરાત સરકાર તરફથી એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. વળતરની વાત તો દૂર રહી પરંતુ ગુજરાત સરકાર ખેડૂતોને પશુપાલકોને ઘરોમાં જઈને ડરાવી ધમકાવી રહી છે. ગુજરાત સરકાર ખેડૂતો અને પશુપાલકો ઉપર જે દમન કરી રહી છે તેને સહન કરવામાં નહીં આવે. મેં પશુપાલકોના મુદ્દે ખૂબ જ જાણકારી મેળવી છે અને સ્ટડી કરીને મને ખ્યાલ આવ્યો છે કે ગુજરાતના ખેડૂતોને તેમનો હક આપવાનું શરૂ કરવામાં આવે તો એક એક ખેડૂતો અને પશુપાલકોની ગરીબી દૂર થઈ શકે છે. સહકારી મંડળીઓનો મતલબ એ હતો કે ખેડૂતો અને પશુપાલકો સાથે મળીને મંડળી અને ડેરી ચલાવશે, પરંતુ આજે ભાજપે સહકારી મંડળીઓ પર કબજો કરી લીધો છે. મને વધુ એક સ્પષ્ટ જાણકારી મળી છે કે જ્યારે એક ખેડૂત દૂધ જમા કરાવે છે તો તેને જે ફેટના આધારે પૈસા ચૂકવવામાં આવે છે, તે ફેટ ચેક કરવાની મશીનમાં ગડબડી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે. આ રીતે તેઓ ગરીબ પશુપાલકોના કરોડો રૂપિયા ખાઈ જાય છે.

આ ફક્ત અમીરોની સરકાર છે અને અદાણી જેવા લોકો માટે કામ કરે છે. અદાણીને જ્યારે આખા વિશ્વમાં ક્યાંય પણ કોઈ કોન્ટ્રાક્ટ જોઈએ તો વડાપ્રધાન પોતે એ દેશમાં જઈને અદાણીને કોન્ટ્રાક્ટ અપાવે છે. પરંતુ ખેડૂતો જ્યારે પોતાનો હક માંગે છે તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી ગરીબોની, ખેડૂતોની, પશુપાલકોની અને સામાન્ય લોકોની પાર્ટી છે. અમે આજે ગુજરાતના તમામ ખેડૂતો અને પશુપાલકોને આશ્વાસન આપવા માટે આવ્યા છીએ અને કહેવા માટે આવ્યા છીએ કે અમે તમારી સાથે છીએ. અમે તમારા સન્માન માટે, તમારા હક માટે લડત લડીશું. જો ખેડૂતો પર ગોળીઓ ચલાવવામાં આવશે તો હું કહીશ કે પહેલા કેજરીવાલ પર ગોળી ચલાવાઈ. પંજાબમાં અમારી આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતો માટે ખૂબ જ કામ કરી રહી છે. જ્યારે 2022માં અમારી સરકાર બની ત્યારે પંજાબના ફક્ત 30 ટકા વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચતું હતું, પરંતુ આજે ફક્ત અઢી વર્ષ બાદ 60 ટકા પંજાબમાં સિંચાઈનું પાણી પહોંચી ચૂક્યું છે અને આવનારા એક વર્ષમાં 90 ટકા ખેતરોમાં સિંચાઈનું પાણી પહોંચશે. પંજાબમાં ખેડૂતોને સવારના સમયે આઠ કલાક માટે વીજળી આપવામાં આવે છે અને એ પણ મફતમાં આપવામાં આવે છે.

પશુપાલકો અને ખેડૂતોની લડાઈ ફક્ત દૂધ માટે નહીં, પણ ન્યાય, હક્ક અને સન્માન માટેની લડાઈ છે. 1985માં જ્યારે કોંગ્રેસને 149 સીટો મળી હતી, ત્યારે તેને ભારે અભિમાન આવી ગયો અને ફક્ત બે વર્ષ બાદ 1987માં કોંગ્રેસે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 ખેડૂતોના મોત થયા હતા. ત્યારપછી એ કોંગ્રેસની સરકાર ફરીથી પાછી ન આવી. હવે હું ભાજપને પણ કહેવા માગું છું કે તમારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. અશોક ચૌધરીની શહાદત વ્યર્થ નહીં જાય. જેમ ગુજરાતના લોકોએ, ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોએ, કોંગ્રેસને ઉખાડી ફેંકી હતી, એ જ રીતે હવે તેઓ ભાજપને પણ ઊખેડી નાંખશે. હવે ગુજરાત પરિવર્તન ઈચ્છે છે, પણ અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હતો. કારણ કે ગુજરાતમાં ફક્ત ભાજપ નહીં, પણ ભાજપ અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર હતી. એ માટે ગુજરાતમાં ક્યારેય સાચો વિપક્ષ ન રહ્યો. પરંતુ હવે આમ આદમી પાર્ટી સાચો વિપક્ષ બનીને આવી છે, જે તમારા હક અને અધિકાર માટે લડશે અને તમને ન્યાય અપાવશે.

થોડા સમય પહેલા રાહુલ ગાંધી આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે અમુક ઘોડા લગ્નના ઘોડા હોય છે અને અમુક રેસના ઘોડા હોય છે, પરંતુ હું તેમને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાંબી રેસના ઘોડા છે અને અમારા કાર્યકર્તાઓ સિંહ છે. આમ આદમી પાર્ટી ગુજરાતના કોઈપણ નેતા ભાજપથી ડરે તેમ નથી. હાલ આમ આદમી પાર્ટીના મજબૂત ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને ભાજપે ખોટા આરોપોમાં ફસાવીને જેલમાં પૂર્યા છે. મારો સવાલ છે કે ચૈતર વસાવાનો ગુનો શું હતો? ચૈતર વસાવા ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ વ્યક્તિ છે. તેઓ આદિવાસી સમાજ માટે સતત કામ કરે છે અને આજે સમગ્ર આદિવાસી સમાજના લોકો તેમને પોતાનો નેતા માને છે. તેમની લોકપ્રિયતા વધતી જઈ રહી હતી અને તેઓ વારંવાર ભ્રષ્ટાચાર બહાર લાવતા હતા, તેથી તેમને ખોટા આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. શું ભાજપે એવું માની લીધું છે કે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેલથી ડરી જશે? મને પણ એક વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. અમારા નેતા મનીષ સિસોદિયાને પણ જેલમાં રાખવામાં આવ્યા હતા, પણ અમે કોઈપણ વ્યક્તિ ડર્યા નહીં. એકવાર જેલમાં નાખો કે દસ વર્ષ જેલમાં નાખો, અમે ક્યારેય ડરીશું નહીં કારણ કે અમે ભગતસિંહના વારસદારો છીએ.

30 વર્ષથી આ લોકો સત્તામાં છે એટલે તેમને અભિમાન આવી ગયું છે, પણ હવે સત્તા પરિવર્તનનો સમય આવી ગયો છે. સત્તા પરિવર્તનની ચાવી હવે ગુજરાતના લોકો, પશુપાલકો અને ખેડૂતોના હાથમાં છે. હવે તમારા પાસે આમ આદમી પાર્ટી નામે એક સારો વિકલ્પ ઉપલબ્ધ છે અને હવે કોઈએ પણ કોઈથી ડરવાની જરૂર નથી. હવે આપણે સૌએ મળીને ભાજપનો સામનો કરવો પડશે. આજે આટલી મોટી સંખ્યામાં ખેડૂત અને પશુપાલક ભાઈઓ અહીં હાજર રહે છે, તે બદલ હું દિલથી આપ સૌનો આભાર માનું છું. હું તમને વચન આપું છું કે હું હંમેશાં તમારી સાથે ઊભો રહીશ અને આપણે મળીને ગુજરાતમાં પરિવર્તન અને વિકાસ માટેની લડાઈ લડીશું.

ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ભગવંત માન સાહેબે મોડાસા ખાતે આયોજિત ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને આ 30 વર્ષથી સમાજના દરેક વર્ગના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. પશુપાલકોના મહેનતના પૈસા ભાજપના લોકો ખાઈ જાય છે અને તેઓ પોતાના કાર્યક્રમોમાં પશુપાલકોના નફાના પૈસા ખર્ચી નાખે છે. થોડા દિવસ પહેલા જ્યારે ખેડૂતો અને પશુપાલકો પોતાની માંગ લઈને ડેરી પાસે ગયા હતા ત્યારે તેમની સાથે વાતચીત કરવાની જરૂર હતી અને તેમને સાંભળવાની જરૂર હતી, પરંતુ પશુપાલકોની માંગણી દબાવવા માટે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. જેમાં એક ગરીબ પશુપાલકની મોત થઈ ગઈ હતી અને સાંભળવામાં આવ્યું છે કે તે વ્યક્તિના ઘરે મકાનની છત પણ નથી. આવા ગરીબ લોકો પર ભાજપ સરકાર અત્યાચાર કરી રહી છે. બીજા અનેક ખેડૂતો અને પશુપાલકો પર પોલીસ કેસ કરવામાં આવ્યા. આ પરથી દેખાઈ આવે છે કે ભાજપ તાનાશાહીથી પણ આગળ વધી ગયું છે. અમારા નેતાઓ પર પણ અનેક એફઆઈઆરો થાય છે, પરંતુ અમે ક્યારેય ચૂપ બેસતા નથી. હવે અમે પણ ગુજરાતના પશુપાલકોની સાથે તેમના સમર્થનમાં આવી ગયા છીએ.

દુઃખની વાત એ હતી કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોઈ વિપક્ષ ન હતો. કોંગ્રેસ ક્યારેય પણ વિપક્ષની ભૂમિકામાં ન હતી, તે હંમેશા ભાજપની સાથે મળેલી હતી. જો કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં હોત, તો આજે અહીંયા ખેડૂતો અને પશુપાલકોના સમર્થનમાં આવીને ઉભી હોત. છેલ્લા 30 વર્ષથી ગુજરાતના લોકો ભાજપને વોટ આપવા માંગતા ન હતા, પરંતુ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો. પરંતુ આખરે હવે લોકોને નવો વિકલ્પ મળ્યો છે અને એ વિકલ્પ છે આમ આદમી પાર્ટી. ધીરે ધીરે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને પંજાબમાં પણ આમ આદમી પાર્ટી આ પ્રમાણે જ ધીરે ધીરે આગળ વધી હતી. પશુપાલકોને જે 18% ભાવ ફેર મળવો જોઈતો હતો તે હવે છેક 9% સુધી આવી ગયો છે. કદાચ તે આનાથી પણ નીચે જઈ શકે છે જો પશુપાલકો અવાજ નહીં ઉઠાવે અને આંદોલન નહીં કરે તો. અરવિંદ કેજરીવાલજીના ગુજરાત આવવાના સમાચાર સાંભળીને ડેરીએ અડધી રકમ વધારવાની તો વાત માની લીધી છે, તેવું સાંભળ્યું છે.

પંજાબમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર હોવાથી ખેડૂતોને સવારે મફત વીજળી મળે છે. ઘરગથ્થુ વીજ ઉપભોક્તાઓને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળે છે. પરિણામે, જ્યારે બે મહિનાનું બિલ આવે છે ત્યારે પંજાબના 88% ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય આવે છે. દિલ્હીમાં જ્યારે અરવિંદ કેજરીવાલ 10 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા, ત્યાં સુધી લોકોને મફત વીજળી મળતી રહી હતી. સી.આર. પાટીલ હાલ કેન્દ્રના જળશક્તિ મંત્રી છે. પંજાબ-હરિયાણાની પાણીની લડાઈમાં તેઓ હાજર હોય છે, અને હવે ગુજરાતમાં દૂધના મુદ્દે પણ તેમનું નામ સાંભળવામાં આવી રહ્યું છે. હવે હું સ્પષ્ટપણે કહેવા માંગું છું કે આ લૂંટ વધુ સમય નહીં ચાલે. કારણ કે હવે ગુજરાતની જનતાને ઝાડૂના બટનના રૂપે એક નવો વિકલ્પ મળ્યો છે. પહેલા ઝાડૂથી ફક્ત મકાન અને દુકાનો સાફ થતી હતી, હવે આખું ગુજરાત અને તેની સિસ્ટમ સાફ થશે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકો અને ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતો અને પશુપાલકો પોતાની માંગ લઈને ગયા હતા અને તેમની સાથે જે ઘટના ઘટી, ત્યારે મને ફોન આવ્યો અને જણાવવામાં આવ્યું કે 38 વર્ષ પહેલાં ખેડૂતો સાથે જે ઘટના ઘટી હતી, તેવી જ ઘટના ફરીથી ગુજરાતમાં ઘટી છે. પોતાની માંગ લઈને સાબર ડેરી પહોંચેલા ખેડૂતો અને પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટિયર ગેસના એક્સપાયર થયેલા સેલ છોડવામાં આવ્યા અને તેમાં એક ખેડૂતનું મોત થયું. પશુપાલકો પોતાનો ભાવ ફેર માંગવા ગયા હતા. દિવસ-રાત મહેનત કરીને પરસેવો પાડીને પશુપાલક દૂધ ભરે છે, પરંતુ તેની મલાઈ ભાજપના લોકો ખાઈ જાય છે. આ લોકો સેવાના નામે ડેરીઓમાં બેસી ગયા છે અને ડેરીઓમાં લૂંટ ચલાવે છે.

કોંગ્રેસના સમયમાં પણ ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 10 ખેડૂતોના મોત થયા હતા. ગુજરાતના લોકોએ 161 સીટો ભાજપને આપી, માટે ભાજપને અહંકાર આવી ગયો અને તેમણે વિચાર્યું કે હવે એ લોકોને, ખેડૂતોની, પશુપાલકોની અને માલધારીઓની જરૂરત નથી. પરંતુ આમ આદમી પાર્ટી હંમેશા પશુપાલકો અને ખેડૂતોની સાથે છે. હું એક ખેડૂતનો અને માલધારીનો દીકરો છું. અમારી સામે કોઈ પણ વ્યક્તિ આવી જશે તોપણ હું ખેડૂતો અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છું. કોઈ ઉદ્યોગપતિ કે કોઈ આઈએએસ કે આઈપીએસ શા માટે આંદોલન નથી કરતા? એ લોકોના દીકરાઓ-દીકરીઓ વિદેશોમાં મોજ કરે અને આપણા દીકરાઓના ભણતર માટે આપણ પાસે પૈસા ન હોય અને આપણે જ્યારે આપણા હકના પૈસા માંગવા જઈએ, ત્યારે આપણા લોકો પર ગોળીઓ વરસાવવામાં આવે છે. આ ઘટના બાદ અમે અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી કે ગુજરાતના 54 લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે, માટે તમારે ગુજરાત પધારવું પડશે.

ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો અને માલધારી સમાજના લોકો સામે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશમાં ખેડૂતો અને પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી અને જ્યારે તેઓ ભાવ માંગવા જાય છે ત્યારે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીઅર ગેસના સેલ છોડવામાં આવે છે અને જે લોકો પોતાના હકની માંગણી કરે છે એ લોકો ઉપર જ ખોટા કેસ કરી દેવામાં આવે છે. ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોએ આંદોલન કરવા પડે એથી મોટી દુઃખની વાત કદાચ બીજી કોઈ નહીં હોય. દુનિયામાં 150થી વધુ દેશો છે, પરંતુ ભારત સિવાય બીજે કોઈ દેશમાં ખેડૂતોને કે પશુપાલકોને આંદોલન કરવા કે રસ્તા પર ઉતરવાની ફરજ પડતી નથી. દૂધ ફક્ત વ્યવસાય નથી, પરંતુ આસ્થા સાથે જોડાયેલું પવિત્ર તત્વ છે. પરંતુ ભાજપે આપણા સફેદ દૂધ સાથે કાળા કામ કરવાનું શરૂ કર્યું છે. પશુપાલક પરિવારની માતા, બહેનો, દીકરીઓ અને ભાઈઓ સવારે પાંચ વાગ્યાથી મોડી રાત સુધી પશુઓની સેવા કરે છે અને જે દૂધ તૈયાર થાય છે, એના પ્રોફિટમાંથી સી.આર. પાટીલએ આખા ગુજરાતમાં ભાજપના કમલમની ઓફિસો બનાવવા માટે જમીનો ખરીદી છે અને એ જમીન પર કમલમનું બાંધકામ કરાવ્યું છે. સી.આર. પાટીલએ સહકારી મંડળીના આગેવાનોને ધાક-ધમકી આપીને કે પછી મોટા મોટા પદોની લાલચ આપીને પોતાની તરફ ખેંચી લીધા છે અને હવે પશુપાલકોના પૈસે બનેલી કમલમ ઓફિસમાંથી જ ભાજપના નેતાઓ પોલીસને ઓર્ડર કરે છે અને પશુપાલકો પર લાઠીચાર્જ કરાવે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!