MORBI મોડલ ફાર્મ ધરાવતા મોરબીના લખધીરનગર (નવાગામ)ના ખેડૂતે ખારેક, ડ્રેગન ફ્રુટ, સરગવો, હળદર, કઠોળ, મગફળી, તલની પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધિ મેળવી

પ્રાકૃતિક ખેતપેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે બની રહ્યું છે નાણાકીય સમૃદ્ધિનું સાધન
“કિસાન સન્માન નિધિના હપ્તા અને સરકારના સહકાર થકી પ્રાકૃતિક ખેતી બની ઝીરો બજેટ ખેતી”- ખેડૂતશ્રી અશોકકુમાર પરેચા
મોડલ ફાર્મ ધરાવતા મોરબી પાસેના લખધીરનગર (નવાગામ)ના ખેડૂતે ખારેક, ડ્રેગન ફ્રુટ, સરગવો, હળદર, કઠોળ, મગફળી, તલની પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધિ મેળવી
મગફળી – તલ પાકોનું તેલ કઢાવી આનુસંગિક આવકમાં પણ કરે છે વધારો
ખેડૂતનું સાહસ અને સરકારની સહાયના સંગમ થકી કૃષિ ક્ષેત્ર બની રહ્યું છે સમૃદ્ધ
પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પામાં પારંગતતા મેળવી તેનો ભરપૂર કરે છે ઉપયોગ
પ્રકૃતિના સંવર્ધનની સાથે તંદુરસ્ત જીવન અને આવકના મહત્વના સ્ત્રોત તરીકે ખેતીના ઉત્કર્ષ માટે આજના સમય ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની અગત્યતા દિવસેને દિવસે વધી રહી છે સરકાર ખેતીક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો લાવી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે પ્રાકૃતિક કૃષિને પણ આગવું મહત્વ આપવામાં આવી રહ્યું છે અને વધુને વધુ ખેડૂતોને રાસાયણિક ખેતીને અલવિદા કહી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
મોરબીના લખધીરનગર (નવાગામ)ના ખેડૂત શ્રી અશોકકુમાર પરેચા કે, જેમણે વર્ષ ૨૦૨૧ માં રાસાયણિક ખેતીને બદલે ગાય આધારિત ખેતી અપનાવી હાલ પ્રાકૃતિક ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી લાખોમાં વળતર મેળવી રહ્યા છે તેમના ફાર્મને રાજ્ય સરકાર દ્વારાબી મોડલ ફાર્મ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેથી તેમના વિસ્તારના અનેક ખેડૂતો તેમની પાસેથી માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.
અશોકકુમાર પરેચા જણાવે છે કે, “હું બાગાયતી ખેતી અને પરંપરાગત ખેતી બંને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કરું છું. બાગાયતમાં ખારેક ડ્રેગન ફ્રુટ અને સરગવો તથા તેમાં મિશ્રપાક તરીકે હળદર, કઠોળ વગેરે પાક લઉં છું. મગફળી અને તલના પાકમાં તેનું તેલ કઢાવી મૂલ્યવર્ધન કરું છું પ્રાકૃતિક ખેતીથી પકવેલ માલનું મૂલ્ય વર્ધન કરવાથી નફામાં પણ સારો એવો વધારો થાય છે.વર્ષ ૨૦૨૩ થી પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પા વગેરેમાં પૂરેપૂરી પારંગતતા મેળવી તેનો ઉપયોગ કરું છું. આ ઘટકો બનાવવાની સામગ્રીમાં આપણી ઘરની રોજીંદી ચીજ વસ્તુઓનો જ વપરાશ કરવાનો હોય છે, વધુમાં બજારમાંથી લેવી પડતી વસ્તુઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તામાં મળતી રકમ સારી એવી કામ લાગે છે, પ્રાકૃતિક ખેતીમાં જરૂરી તમામ ઘટકો બનાવવા માટે બેરલ સહિતની સામગ્રી વસાવા પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવી છે. વધુમાં જંતુનાશક કે ખાતર માટે પણ કોઈ ખર્ચ કરવાનો થતો નથી જેથી આમ જોઈએ તો અમારી પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી બની રહી છે.”
ખેતપેદાશોના મૂલ્યવર્ધનથી સમૃદ્ધિનું સર્જનના સરકારશ્રીના ધ્યેયને મોરબીના આ પ્રગતિશીલ ખેડૂત ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. મગફળી અને તલ જેવા પાકોમાં તેઓ તેનું તેલ કઢાવી અને વેચાણ કરે છે જેથી તેમને મગફળી કે તલ સીધું બજારમાં વેચવાની સરખામણીએ આવકમાં ઘણો વધારો થાય છે. ઉપરાંત આ તેલ માટે લોકો અગાઉથી જ ઓર્ડર લખાવે છે અને ભાવ પણ સારા મળે છે.









