
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ દશામાના દસ દિવસના પવિત્ર તહેવારનો શ્રદ્ધા અને આસ્થાભેર પ્રારંભ
*ટીંટોઇ ગામના નવનિયુક્ત યુવા સરપંચ પ્રદીપ પટેલે માતાજી આગળ શીશ ઝુકાવી આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી*
*ટીંટોઈમાં છેલ્લા ૩૦ વર્ષથી ઉત્સાહપૂર્વક રાજુભાઇ બાબુભાઇ કારીગરના નિવાસસ્થાને દશા માતાનું સ્થાપન કરવામાં આવે છે*
અરવલ્લી જિલ્લામાં અષાઢ વદ અમાવસ થી શરૂ થતા દશામાના વ્રતનો શ્રદ્ધાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. દસ દિવસ સુધી માતાઓ-બહેનો માતાજીના વ્રત રાખી આરાધના કરશે. મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે છેલ્લા ૩૦ વર્ષથી અવિરત દશા માતાનું સ્થાપન કરવામાં આવે છે જ્યારે ચાલુ વર્ષે પણ વાજતે ગાજતે દશામાની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. દશામાની મૂર્તિ ટીંટોઈના દિનેશભાઈ ધનજીભાઈ પટેલના નિવાસસ્થાને થી ડી.જે. ના તાલે ભવ્ય શોભા યાત્રાસાથે રાજુભાઈ બાબુભાઈ કારીગરના નિવાસસ્થાને આવી સ્થાપન કરાયું હતું. દિનેશભાઈ પટેલના ઘરે માતાજીની વિધિવત આરતી તથા હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રસ્થાન કરાયુ હતું. શોભાયાત્રામાં ટીંટોઈ તથા આજુબાજુના મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ટીંટોઇ ગામના નવનિયુક્ત સરપંચ પ્રદીપભાઈ પટેલે માતાજીને શીશ ઝુકાવી આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. સળંગ દસ દિવસ સુધી રાજુભાઈ કારીગરના નિવાસ્થાને વિવિધ ભજન મંડળો, લોક ડાયરો, રાસ ગરબા તથા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.




