NATIONAL

સરકારી શાળાની છત ધરાશાયી, 5 બાળકોના મોત

રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે. આ વિસ્તારમાં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે. ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી હતી. જેના કારણે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા છે. મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે. આ સિવાય 5 બાળકોનું મોત નિપજ્યું છે. જોકે, હજુ સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની ગંભીરતા જોતા આંકડો હજુ વધી શકે છે.

શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ, સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છત ધરાશાયી થયા પછીના કાટમાળને જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

આ મામલે ઝાલાવાડના પોલીસે જણાવ્યું ,કે 5 બાળકોના મોત થયા છે અને 17 અન્ય ઘાયલ થયા છે. 10 બાળકોને ઝાલાવાડ મોકલવામાં આવ્યા છે, જેમાંથી ત્રણથી ચારની હાલત ગંભીર છે. શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણા બાળકો અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. હું ભગવાનને ઓછામાં ઓછી જાનહાનિ અને ઈજાગ્રસ્તોની ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’

રાજસ્થાન સરકારમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘ઝાલાવાડની એક શાળામાં એક દુ:ખદ ઘટના બની છે. તે દુઃખદ છે. બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. છત કેવી રીતે તૂટી તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.’

Back to top button
error: Content is protected !!