
વાત્સલ્યમ સમાચાર
નવસારી
*ગ્રામીણ ક્ષેત્રે માતૃવન અને શહેરી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ જેવા ખ્યાલોને ઉભા કરી આપણે તેની જાળવણી માટે પ્રતિબદ્ધ થઈએ તે ખૂબ જરૂરી છે. -વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*
નવસારી, તા.૨૬: રાજયના પ્રવાસન,સાંસ્કૃતિક,વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તાડપાડા ગામ ખાતે એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વન વિભાગ, આગેવાનો અને ગ્રામજનોના ઉત્સાહ અને પરિશ્રમને લીધે આજે આ માતૃવનનુ નિર્માણ થઈ શક્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિન ૨૦૨૪ના રોજ એક પેડમાં કે નામ અભિયાન લોન્ચ કર્યું હતું. જેને ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો માટે આ અભિયાન એક પેડ માં કે નામ ૨.૦ને એક વર્ષ માટે લંબાવવામાં આવેલ છે.
નવસારી વન વિભાગ દ્વારા આ અભિયાન હેઠળ લાખો રોપાઓ વિતરણ કરવામાં આવ્યા છે. માતૃભૂમિ અને આપણી માતાનું ઋણ ચૂકવવું અશક્ય છે. પરંતુ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવીને બંનેનું ઋણ અદા કરવા માટે એક ડગલું ભરી શકે. સામાજિક વનીકરણ ઝુંબેશના ભાગરૂપે આ મુહિમ કરવામાં આવી છે જેને આપ સૌએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે.
ક્લાયમેટ ચેન્જને લીધે પાણી, હવા, અને જમીન પ્રદૂષણયુક્ત બની છે આપણી પાસે એક જ ઉપાય છે તે છે વૃક્ષારોપણ. આવનારા સમયમાં આવા સામુહિક વૃક્ષારોપણના કાર્યક્રમ ખૂબ ફાયદાકારક રહેશે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રે આવા માતૃવન અને શહેરી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ જેવા ખ્યાલોને ઉભા કરી આપણે તેની જાળવણી માટે પ્રતિબદ્ધ થાયે તે ખૂબ જરૂરી છે.
કાર્યક્રમમાં મંત્રીશ્રી, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ ગુજરાત રાજ્યશ્રી મુળુભાઈ બેરાના વરદ્ હસ્તે એક પેડ માઁ કે નામ ૨.૦ અંતર્ગત વૃક્ષારોપણ કરી વન કવચની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વલસાડના સાંસદશ્રી ધવલ પટેલ, નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્યશ્રી વિજય પટેલ, ડૉ બી. સુચિન્દ્રા મુખ્ય વન સરક્ષક, ડૉ ઓ પી સિંઘ, હેડ ઓફ ફોરેસ્ટ, ગુજરાત સહિત વિવિધ મહાનુભાવો, સ્થાનિક ગ્રામજનો પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
*”વન કવચ” તાડપાડાની વિશેષતા:*
“વન કવચ” તાડપાડા વલસાડ ઉત્તર વન વિભાગ હેઠળની વાંસદા પુર્વ રેંજની ખાંભલા રાઉન્ડની ખાંભલા બીટમાં આવેલ તાડપાડા ગામના રીઝર્વ ફોરેસ્ટ કંમ્પાર્ટમેન્ટ નંબર-૧૯ માં ૧.૦૦ હેકટરના વિસ્તારમાં વનકવચ બનાવવામાં આવેલુ હતું. જેમાં ૧૦૮ જેટલી પ્રજાતિઓનું જુદા જુદા ૭(સાત) બ્લોકમાં કુલ-૧૦૦૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વનકવચ તાડપાડામાં સિંદુરી વન, ફળાઉ જાતોનું વન, ઇમારતી જાતોનું વન, લુપ્ત થતી જાતોનું વન, હર્બ અને સર્બ વન, ઔષધીય વનસ્પતિ વન, વન્યપ્રાણી પ્રજાતિઓ વન આમ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.




