વાગરા: દહેજ SEZ-1 ની શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત, સુરક્ષાના દાવા પોકળ?

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ SEZ-1 માં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે. ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હોતો. ઘટનાની જાણ થતા જ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે. તેવો રોષ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
ઔદ્યોગિક વસાહતમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઉભો કરે છે, કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે? દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ્સ કાર્યરત છે, ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું? શું આ ઘટનાઓ માત્ર “અકસ્માત” છે, કે પછી કંપનીઓની બેદરકારી અને સુરક્ષાના ભોગે નફાખોરીનું પરિણામ? નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. શિવા ફાર્મા કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે. ત્યારે આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપીને સંતોષ માનવાને બદલે, દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે, જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટીભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે.




