વાત્સલ્યમ સમાચાર
ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે ભારે વરસાદમાં પણ મોન્સૂન ફેસ્ટિવલનાં કાર્યક્રમોનો આસ્વાદ માણવા માટે અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા..

ગિરિમથક સાપુતારા પંથકમાં પવનનાં ભારે સુસવાટામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા જાહેર માર્ગો પર લગાવેલ મોન્સૂન ફેસ્ટિવલનાં બોર્ડ નીચે પડી જતા જંગી નુકસાન થયુ,જોકે ગુજરાત પ્રવાસન વિભાગની ટીમે તુરંત જ હરકતમાં આવી જમીનદોસ્ત થઈ પડી ગયેલા મોન્સૂન ફેસ્ટિવલનાં બોર્ડની મરામત સહીત ઉભા કરવાની કામગીરી હાથ ધરી..
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં શનિવારથી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.શનિવારે રાત્રીનાં અરસાથી રવિવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ,વઘઇ,ઝાવડા,ભેંસકાતરી,બરડીપાડા,કાલીબેલ,મહાલ,સિંગાણા, સુબિર, લવચાલી, આહવા,પીપલાઈદેવી,ચિંચલી, ગારખડી,બોરખલ, પીપલદહાડ,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ધોધમાર વરસાદ તૂટી પડતા જાહેર માર્ગો સહીત આંતરિક માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં શનિ રવીનાં રોજ વરસાદી માહોલ જામતા ડાંગની અંબિકા, ગીરા,પૂર્ણા અને ખાપરી નદી રોદ્ર સ્વરૂપમાં આવી વહેતી થઈ હતી.ડાંગ જિલ્લામાં નદી,નાળા, વહેળા અને કોતરડા રોદ્ર સ્વરૂપમાં આવતા ગિરમાળનો ગીરા શોધ,વઘઇનો ગીરા ધોધ, આંકડાનો ધોધ,શિવઘાટ ધોધ સહીત નાના મોટા જળધોધ અખૂટ પાણીનાં જથ્થા સાથે ખીલી ઉઠ્યા હતા.શનિરવીની રજાઓમાં વઘઇ અને ગિરમાળનાં ધોધને નિહાળવા માટે અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે ગતરોજથી દબદબાભેર મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો છે.તેવામાં ગિરિમથક સાપુતારા પંથકમાં શનિવારે રાત્રીનાં અરસામાં અને રવિવારે દિવસ દરમ્યાન પવનનાં ભારે સુસવાટા સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા જાહેર માર્ગો પર લગાવેલ મોન્સૂન ફેસ્ટિવલનાં જાહેરાતનાં બોર્ડ નીચે પાડી દેતા જંગી નુકશાન થયુ હતુ.જેની જાણ ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓને થતા તુરંત જ હરકતમાં આવી નીચે પડી ગયેલા બોર્ડ સહીત ફાટી ગયેલ બોર્ડ બેનરની મરામતની કામગીરી હાથ ધરી હતી.જ્યારે સાપુતારા-શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં એક સ્થળે બે શીલાઓ માર્ગની સાઈડમાં ધસી પડી હતી.જોકે આ બન્ને શીલા માર્ગની સાઈડમાં હોય જેથી વાહનવ્યવહારને કોઈ અસર પડી ન હતી.સાથે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે નીચાણવાળા પાંચ જેટલા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા સાત જેટલા ગામો પ્રભાવિત થયા હતા.રવિવારે દિવસ દરમ્યાન ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ભારે પવનનાં સુસવાટામાં અવિરતપણે વરસાદી મહેર જોવા મળ્યો હતો.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા જોવાલાયક સ્થળોના દ્રશ્યો બેનમુન બન્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલને લઈને શનિરવીની રજાઓમાં ચિક્કાર ભીડ જામી હતી.સાથે હોટલો,હોમ સ્ટે બંગલા અને રિસોર્ટ ખાતે હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.રવિવારે વરસાદી માહોલમાં પણ ફરવા આવેલ પ્રવાસીઓએ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત મોન્સૂન ફેસ્ટિવલનાં વિવિધ કાર્યક્રમોનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.સાપુતારાનાં સ્વાગત સર્કલ ખાતે મોન્સૂન ફેસ્ટિવલનાં ડોમ નજીક આદિવાસી પરંપરાગત નૃત્યો અને વિવિધ સુરાવલીનાં તાલે પ્રવાસીઓ ઝૂમી ઉઠતા મોન્સૂન ફેસ્ટિવલ-2025નો બીજો દિવસ સાર્થક જણાયો હતો.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં માંળુગા ગામનો 55 વર્ષીય વૃદ્ધ આજે અંબિકા નદીમાં તણાઈ ગયાનાં સમાચાર મળી રહ્યા છે.ગ્રામજનો દ્વારા આ વૃધ્ધની સવારથી જ શોધખોળ હાથ ધરવામાં આવી છે.પરંતુ મોડી સાંજ સુધીમાં મળી આવ્યો નથી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબીર પંથકમાં 108 મીમી અર્થાત 4.3 ઇંચ,વઘઇ પંથકમાં 84 મીમી 3.3 ઇંચ, આહવા પંથકમાં 73 મીમી 2.9 ઇંચ,જયારે સાપુતારા પંથકમાં 70 મીમી અર્થાત 2.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
Sorry, there was a YouTube error.
Follow Us