GUJARATKAPRADAVALSAD

કપરાડા તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોની માર્ગદર્શન શિબિર જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

શાળાઓનાં વહીવટમાં સુધારો. ભૌતિક સુવિધાઓ અદ્યતન કરવી અને શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ પર ભાર મુકાયો

<કપરાડાની પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે કપરાડા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓની માર્ગદર્શન શિબિરનું આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન શિબિર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવી હતી. આ માર્ગદર્શન શિબિરમાં શાળાના આચાર્યશ્રીઓ, સીઆરસી કો-ઓર્ડીનેટરશ્રીઓ હાજર રહ્યા હતા.

આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાઓનાં વહીવટમાં સુધારો, શાળાની ભૌતિક સુવિધાઓ અદ્યતન કરવી. શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ, શૈક્ષણિક તથા સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું દૈનિક- માસિક તથા વાર્ષિક આયોજનો, ટેકનોલોજી સાથે તાદાત્મ્ય સાધવું, વહીવટીકાર્ય ઝડપી અને ચોકસાઈપૂર્વક કરવા બાબતે માર્ગદર્શન આપવાનો હતો. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જુનભાઈ પટેલ દ્વારા ઉપરોકત બાબતો અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન શિબિરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાએ મુખ્ય શિક્ષકોને આયોજનબદ્ધ રીતે શાળા સંચાલન કરવા માટે ટકોર કરી હતી.

માર્ગદર્શન શિબિરમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનોજભાઈ ટંડેલ તથા બી.આર.સી.કો – ઓર્ડીનેટર  સંજયભાઈ મકવાણા દ્વારા મુખ્ય શિક્ષકોને વહીવટી તથા શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે બી.આર.સી કોઓર્ડીનેટર શ્રી સંજયભાઈ મકવાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!