નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ VPRP અને NRLM તાલીમ કાર્યક્રમનો શુભારંભ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
NRLM થકી ગામના લોકોના કૌશલ્યમાં વધારો કરી તેઓના ઉત્થાન માટે ભાગીદાર બનીએ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલાતા
નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે “વિલેજ પ્રોસ્પેરિટી રિઝિલિયન્સ પ્લાન VPRP” અને “રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન NRLM” હેઠળ જિલ્લા સ્તરીય ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ કાર્યક્રમનું આયોજન તારીખ ૩૦ જુલાઈથી ૦૨ ઓગસ્ટ, ૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલાતાના અધ્યક્ષસ્થાને BAPS સ્વામિનારાયણ મંદિર કેમ્પસ, નવસારી ખાતે તાલીમનો શુભારંભ કરાયો હતો. જેમાં નવસારી જિલ્લાના કુલ ૪૯ ટ્રેઇનર પ્રતિનિધિઓ વિવિધ તાલુકાઓમાંથી સહભાગી થયાં હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, NRLM થકી ગામના લોકોના કૌશલ્યમાં વધારો કરી તેઓનું આર્થિક સામાજિક ઉત્થાન થઈ શકે તે માટે આ તાલીમ યોજાઈ રહી છે. આ સાથે ગામમાં કામ કરતી વખતે આવતા પડકારો, અને તેને કઈ રીતે હલ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી સૌ કોઈ સક્રિય રીતે ભાગ લઈ નવસારી જિલ્લાના વિકાસમાં પોતાનું યોગદાન આપે. તેમણે અંતે ઉમેર્યું કે, આ પ્રકારના તાલીમ કાર્યક્રમો ગ્રામિણ સમાજના નબળા વર્ગોને સશક્ત બનાવવાના અને ગામ વિકાસમાં સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવાના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે.
નોંધણીય છે કે, આ તાલીમના મુખ્ય ઉદ્દેશો NRLM/મિશન મંગલમ યોજના અંતર્ગત સક્રિય સ્વ-સહાય જૂથો, ગ્રામ સંગઠનો તથા ક્લસ્ટર લેવલ ફેડરેશનોને સમજીને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. આ સાથે GPDP (ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન) સાથે VPRP ને એકીકૃત કરીને શાસન અને યોજનાની પારદર્શિતા અને ભાગીદારી સુનિશ્ચિત કરવી. તથા તાલીમ મેળવેલા DRPs (District Resource Persons) દ્વારા તાલુકા સ્તરે અન્ય સ્ટાફને તાલીમથી સુસજ્જ કરવાનું છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. એમ.પંડ્યા, જિલ્લા લાઈવલીહુડ મેનેજર ચિરાગ ભડકણ, સહિત NRLMનો સ્ટાફ અને જિલ્લા તાલુકાના તમામ તાલીમાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.




