
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જાતે જણ્યા ને જાકારો કેમ…? ધનસુરાના બુટાલ ગામે નવજાત મૃતક ભ્રુણ મળી આવતા ચકચાર
જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામે આજે એક અત્યંત પીડાદાયક બનાવ સામે આવ્યો છે. ગામની સીમમાંથી નવજાત બાળકનું મૃત ભ્રૂણ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવ બુટાલ-જામઠા માર્ગે ખેતર નજીકની અવાવરૂં જગ્યાએ બન્યો છે, જ્યાંથી એક મૃતભ્રૂણ મળી આવ્યું હતું.પ્રાથમિક અનુમાન મુજબ, આશરે 4થી 5 દિવસ પહેલા કોઈએ બાળકને જન્મ આપ્યા બાદ અહીં છોડીને ચાલ્યા ગયાનું કહેવાઈ રહ્યું છે. કોઈ માતા મજબૂરીમાં આવી પગલાં ભર્યાં છે કે પોતાના પાપને છુપાવવાનો પ્રયાસ થયો છે..? — એ અસ્પષ્ટ છે. જોકે, મૃત હાલતમાં ભ્રૂણ મળતાં લોકોમાં દુઃખ અને રોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિક લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સાથે સાથે બાળ સુરક્ષા અધિકારી પણ દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના સ્થળની સમીક્ષા કરી હતી.
મૃત ભ્રૂણને ધનસુરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યું છે જ્યાં પી એમ કરી તપાસ કરાવવામાં આવશે. મેડિકલ રિપોર્ટ પરથી ભવિષ્યમાં વધુ માહિતી મળી શકે તેવી આશા છે — જેમ કે જન્મ સમયે બાળક જીવિત હતું કે નહોતું, બાળકી હતી કે બાળક, અને મૃત્યુના કારણો શું છે.ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મોટા પાયે આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવા બનાવો સમાજ માટે શરમજનક છે અને તંત્રએ આ કેસમાં તત્કાલ કડક કાર્યવાહી કરવી જોઈએ.પોલીસ હવે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ચેક કરવાની, નજીકના ગામડાઓમાં પુછપરછ કરવાની અને હોસ્પિટલોના રેકોર્ડ તપાસવાની દિશામાં તપાસ શરૂ કરી છે





