
“વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી દેડિયાપાડા તાલુકામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે કરાશે
તાહિર મેમણ- ડેડીયાપાડા- 30/07/2025 – આગામી તા. ૯ મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ સહભાગી થયા હતાં.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, નર્મદા જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી બંને વિધાનસભા વિસ્તાર મુજબ નાંદોદ તાલુકામાં છોટુભાઇ પુરાણી વ્યાયમ વિદ્યાલય ખાતે અને દેડિયાપાડા તાલુકામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેની તૈયારીના આયોજનના ભાગરૂપે સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ સ્થળે પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું.
વધુમાં નર્મદા જિલ્લાની વિવિધ યોજનાઓની જાહેરાત, નવીન ખાતમુહુર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમો સુચારૂ રીતે, શાંતિપુર્ણ મહોલ અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે માટે કલેકટરશ્રી અધિકારીશ્રીઓને ખાસ સુચનાઓ આપી હતી.
નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યુ કે, આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ ક્ષેત્રોનાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવિરો, આદિજાતિ ખેડૂતો, પશુપાલકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવે જેના થકી સૌ પ્રોત્સાહિત થાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, પ્રાયોજના વહિવટદારશ્રી અંચુ વિલ્સન, નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પિનાકીની ભગોરા, દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રી ધવલ સંગાડા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



