
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના સ્વરાજ આશ્રમ ખાતે એકલ અભિયાન દ્વારા “સંઘ ગંગા કે તીન ભગીરથ” શીર્ષક હેઠળ એક દ્વિ-અંકી હિન્દી નાટકનું ભવ્ય આયોજન યોજવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં નાગપુરના રાધિકા ક્રિએશનના સંઘ સ્વયંસેવકો દ્વારા રજૂ કરાયેલા આ નાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ મુખ્ય સરસંઘચાલકો- ડૉ. કેશવ બલિરામ હેડગેવાર, માધવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી), અને મધુકર દત્તાત્રેય દેવરસના જીવનચરિત્રના મહત્વપૂર્ણ પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા.નાટકના પ્રથમ અંકમાં RSSના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારના બાળપણ, ‘વંદે માતરમ્’ પ્રસંગ, કોંગ્રેસ અધિવેશનમાં તેમની ભૂમિકા, સંઘની સ્થાપના અને મહાત્મા ગાંધી સાથેની તેમની ઐતિહાસિક મુલાકાત જેવા પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા.દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવરાવ ગોલવલકર (ગુરુજી)ના જીવનના પ્રસંગોમાં નાગપુર પરત ફરવું અને કાશ્મીરના વિલીનીકરણને લગતા મામલે સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની તેમની મુલાકાત ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.જ્યારે તૃતીય સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસના નેતૃત્વ હેઠળના કટોકટીકાળ (આપાતકાલ) દરમિયાનના સત્યાગ્રહ અને રામજન્મભૂમિ આંદોલન જેવા રાષ્ટ્રીય મહત્વના પ્રસંગોને પણ નાટકમાં સચોટ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, અને સંઘના સ્વયંસેવકો તેમના પરિવારો સાથે નાટક નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂજ્ય હેતલ દીદી, પૂજ્ય યશોદા દીદી, પૂજ્ય પી.પી. સ્વામી, સંઘ પ્રચારક કનુભાઈ, નાટકના લેખક શ્રીધર ધાડગે, આહવાના સરપંચ અને ઉપસરપંચ, મેલડી માતા સંત લાલજી મહારાજ, ગોગા મહારાજ, અને સંઘ પ્રચારક દીપક સેલાર જેવા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.આ આયોજન સંઘના 100 વર્ષના ભવ્ય ઇતિહાસ અને તેના આદર્શોને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થયું હતુ..






