AHAVADANGGUJARAT

આહવા-વઘઈ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી, ક્રેન ચાલકની સમયસૂચકતાથી બેફામ આવતી બસમાં સવાર અનેક મુસાફરોનો જીવ બચ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર આજે સાંજે એક મોટી માર્ગ દુર્ઘટના ટળતા અનેક મુસાફરોના જીવ બચી ગયા હતા. ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ની એક બસના બેદરકાર ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી રોંગ સાઈડમાં ધુળચોંડ જૂના બસ સ્ટેન્ડ પાસે એક ક્રેન સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, ક્રેન ચાલકે સમયસૂચકતા વાપરી ક્રેનને રસ્તાની બાજુમાં ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, આહવાથી વઘઈ તરફ મુસાફરો ભરીને જઈ રહેલી GSRTC બસના ચાલક સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં ધુળચોંડ જૂના બસ સ્ટેન્ડ પાસે અચાનક બસને રોંગ સાઈડમાં હંકારી લઈ ગયા હતા.જેના પગલે સામેથી આવી રહેલી એક વિશાળ ક્રેન તરફ બસ ધસી રહી હતી.આ અંગે ક્રેનના ચાલકે જણાવ્યું હતું કે, “બસ ચાલક ઓવરસ્પીડમાં બસ હંકારીને મારી તરફ રોંગ સાઈડમાં આવી રહ્યા હતા. બસમાં બેઠેલા મુસાફરોના જીવ બચાવવા માટે મેં તાત્કાલિક ક્રેનને રોડ સાઈડમાં ઉતારી દીધી હતી.જો મેં તેમ ન કર્યું હોત તો ક્રેનનો આગળનો ભાગ સીધો જ બસમાં ઘૂસી જાત અને ઘણા મુસાફરોને ગંભીર નુકસાન થાય તેમ હતુ.તેથી મારે મજબૂરીમાં ક્રેનને રોડ સાઈડમાં ઉતારવી પડી.”આ ઘટના બાદ પણ GSRTC બસના ચાલકે બસ ઊભી રાખવાની કે કોઈ પૂછપરછ કરવાની તસ્દી લીધી ન હતી અને આગળ વધ્યા હતા. ક્રેન ચાલકની સમયસૂચકતા અને હાજરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી, જે અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ શકી હોત.આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યુ છે કે ગુજરાત એસટી નિગમની સલામત સવારીનાં સ્લોગન માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે.જેથી ડાંગ જિલ્લામાં એસટી બસ ચાલકોની બેદરકારી અને માર્ગ સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.ત્યારે તંત્ર પૂરપાટવેગે હંકારતા એસટી બસ ચાલકોના કાન પણ આમળે તે જરૂરી બની ગયુ છે..

Back to top button
error: Content is protected !!