ગુજરાતમાં નદી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ધુમાડો તેમ છતાંય 13 નદી પ્રદૂષિત

ગુજરાતમાં નદી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, તેમ છતાંય નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થયો નથી, એના કરતાં પણ નદીઓ વધુ પ્રદૂષિત થઈ રહી છે. ઉદ્યોગો-કારખાના, ફેક્ટરીઓ બેરોકટોક રીતે ગંદુ અને કેમિકલયુક્ત પાણી નદીઓમાં ઠલવી રહ્યાં છે, જેના કારણે સાબરમતી સહિત 13 નદીઓ પ્રદૂષિત છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ભ્રષ્ટ અધિકારીઓના પાપે હવે નદીના પાણી પણ પીવાલાયક રહ્યાં નથી.
ગુજરાતમાં વધતાં ઔદ્યોગિકીકરણને લીધે ઉદ્યોગ, કારખાના અને ફેક્ટરીના ગંદા અને કેમિકલયુક્ત પાણીના નિકાલની સમસ્યા ઘેરી બની છે. અનેક ઔદ્યોગિક વસાહતોમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરાયાં હોવા છતાંય ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યુ છે. કેમિકલયુક્ત પાણીને કારણે નદીના પાણીમાં બાયોકેમિકલ ઓક્સિજનની માત્રા વધી છે જેથી પાણી પીવાલાયક રહ્યુ નથી.
સંસદમાં રજૂ કરાયેલાં રિપોર્ટમાં એવા તારણો બહાર આવ્યાં છે કે, ગુજરાતમાં સાબરમતી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી, વિશ્વામિત્રી, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી, દમણગંગા અને તાપી નદીના જળ પ્રદૂષિત થયા છે. સૌથી વધુ પ્રદૂષિત નદીઓની ટોપની શ્રેણીમાં સાબરમતી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી નદીનો સમાવેશ કરાયો છે. રાષ્ટ્રીય નદી સરંક્ષણ યોજના અમલમાં છે, ત્યારે કેન્દ્રએ સાબરમતી, તાપી અને મીંઢોળા નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે 1875 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. તે પૈકી છેલ્લાં પાંચેક વર્ષમાં 559 કરોડ રૂપિયા ચૂકવાયાં છે.
નદી શુદ્ધિકરણના બહાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવી રહી છે, તેમ છતાંય નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. પર્યાવરણવાદીઓનું કહેવું છે કે, જો લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યાં છે તો નદીઓનુ પાણી કેમ પ્રદૂષિત થઈ રહ્યુ છે તે સૌથી મોટો સવાલ છે. જમીની સ્તર પર નદીના પાણીની ગુણવત્તામાં કોઈ સુધારો દેખાતો નથી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓ માત્રને માત્ર ઉદ્યોગ, કારખાના અને ફેક્ટરી માલિકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં રસ છે, જેથી ટ્રીટમેન્ટ વિનાનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવા છતાંય કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. આ કારણોસર નદીઓના પાણી ઝેરી થયાં છે.





