NAVSARINAVSARI CITY / TALUKO

ચીખલી નારી સંરક્ષણ કેન્દ્રએ મનોદિવ્યાંગ મહિલાને સારવાર આપી મહારાષ્ટ્રના સખી વન સ્ટોપ સેન્ટરને સોંપવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા દોઢ વર્ષથી રહેતી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ મહિલા અને તેના પુત્રને સખી વન સ્ટોપ સેન્ટર, થાણે, મહારાષ્ટને સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે.

નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે ૩૩ વર્ષીય પરિણીતા અને તેના ૦૯ વર્ષીય પુત્રને  નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ-ચીખલી ખાતેઆશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિત મનોદિવ્યાંગ મહિલાના પતિનું ત્રણ વર્ષ અગાઉ અવસાન થયું હતું. આશ્રિત મહિલાના પતિનું અવસાન થતાં તેમની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. મહિલાનું પિયર-પરિવાર નવસારીના વિજલપોર ખાતે રહેતા હોવાથી તે ત્યાં રહેવા આવી હતી ,પરંતુ માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે પરિવાર સાથે ઝઘડો થતાં મહિલા તેના પુત્રને લઇને નવસારી રેલ્વે સ્ટેશના ટ્રેક પર આત્મહત્યા કરવા ગયા હતાં. જયાં રેલ્વે પોલીસ દ્વારા મહિલા તથા પુત્રને બચાવીને સખી વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતાં. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર નવસારી દ્વારા મહિલાને નારી સંરક્ષણ કેન્દ્ર ખુંધ અને તેના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખુંધ, ચીખલી ખાતે મૂકવામાં આવ્યા હતાં. નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનની મનોચિકિત્સક પાસે સમયસર સારવાર કરાવી દવાઓ ચાલુ કરતાં તેમની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. જેથી નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા મહિલાના પિયર તથા સાસરી પક્ષવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમને કોઇપણ ઘરે લઇ જવા માંગતા ન હતાં.

આશ્રિત મહિલા તેના પુત્રનું ભવિષ્ય બનાવવા હેતુસર પુત્રને વતન મહારાષ્ટ્ર ખાતે લઇ જવા માંગતા હતાં. આશ્રિત મહિલા વતનના સખી વન સ્ટોપ સેન્ટર  થાણે-૧, ઉલ્હાસનગર, મહારાષ્ટ્ર ખાતે જવા માટે સંસ્થા દ્વારા અરજી કરી હતી.  સખી વન સ્ટોપ સેન્ટર, મહારાષ્ટ્ર ખાતે મંજૂરી મળતાં, જિલ્લા કલેકટરશ્રી અને કમિટીના સભ્યોની મંજૂરીથી આશ્રિત મહિલા અને તેના પુત્રને તેમના વતન મહારાષ્ટ્ર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સલામત રીતે સોંપવામાં આવ્યા હતાં. આશ્રિત મહિલાએ લાગણીભર્યા શબ્દોથી નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધના મેનેજર ભાવિનાબેન આહિર તેમજ સખી વન સ્ટોપ સેન્ટર નવસારીનો આભાર વ્યક્ત કર્યો હતો. નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધના આવા ભગીરથ કાર્ય માટે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે એ પ્રશંસા કરી હતી.
મહત્વનું છે કે, નવસારી જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્રમાં પીડિત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, માનવ તસ્કરીનો ભોગ બનેલી ૧૮ થી ૫૯ ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉસિલિંગ કરી બહેનનું પરિવારમાં યોગ્ય પુન:સ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!