Rajkot: રાજકોટમાં ૩ ઓગસ્ટે યોજાનારી પી.જી.નીટ તથા જૂનિયર ઈન્સ્પેક્ટર વર્ગ-૩ની પરીક્ષામાં ડિજિટલ વોચ નહીં પહેરી શકાય

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
બંને પરીક્ષા અંગે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી
Rajkot: રાજકોટ શહેરમાં તા. ૩ ઓગસ્ટે પોસ્ટ ગ્રેજયુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (પી.જી.નીટ) ની પરીક્ષા સવારે ૯ થી ૧૨ દરમિયાન ૩ કેન્દ્રો ઉપર તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ઈન્સ્પેક્ટર વર્ગ-૩ની પરીક્ષા બપોરે ૩ થી ૬ દરમિયાન ૧ કેન્દ્ર પર લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે, શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાએ પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે.
જે મુજબ, ૩ ઓગસ્ટે સવારે ૮ થી સાંજે ૭ સુધી પરીક્ષા કેન્દ્રો (શાળા-કોલેજો) નજીકના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં. કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્સ-કોપીયર મશીન ચાલુ રાખી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં વાહનો લાવી કે લઈ જઈ શકાશે નહીં, ચાર વ્યક્તિઓએ ભેગા થવું નહીં. પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રને લગતું કોઈ સાહિત્ય-પુસ્તક-ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, આઈ-પેડ, સ્માર્ટ વોચ વગેરે જેવા ડિજિટલ ઉપકરણો લઈ જવા નહીં. સુપરવાઇઝરોએ પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ન લઈ જવા. પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં ફરજ પરના અધિકારીઓ, સ્ટાફ, કર્મચારીઓએ આઇકાર્ડ પહેરવાનું રહેશે.
જેમણે અગાઉથી પરવાનગી મેળવેલી હોય તેવા ફરજ પરના અધિકારીઓ-સ્ટાફ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો, ફરજ પરના પોલીસ-એસ.આર.પી.-હોમગાર્ડ-જી.આર.ડી.ના સ્ટાફને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.



