લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ
**
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો પૂર્વ મંજૂરી હુકમ પત્રો એનાયક કરાયા
***
પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૦ માં હપ્તા દરમિયાન મહીસાગર જિલ્લામાં ૧,૫૦,૫૭૮ હજારથી વધુ ખેડૂત કુટુંબને ૩૨.૧૪ કરોડથી વધુની રકમ બેંક ખાતામાં જમા
***
કિસાનોની આવક બમણી થાય અને આગળ આવે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી – શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર
***
કેન્દ્ર સરકારશ્રી દ્વારા દેશના ખેડૂતોને ખેતી માટે મદદ મળી શકે તે આશયથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ આજ રોજ ૨૦મો હપ્તો વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ડીબીટીના માઘ્યમથી ખેડૂતોને આપવામાં આવ્યા.
જેના ભાગ રૂપે આજ રોજ મહિસાગર જીલ્લામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસનું આયોજન કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને મોટા સોનેલા, ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી સર્વાગી વિકાસ થાય તે દિશામાં સરકાર કામગીરી કરી રહ્યા છે. કિસાનોની આવક બમણી થાય અને આગળ આવે તે માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજ દિન સુધી દેશના ૧૧ કરોડ જેટલા ખેડૂત કુટુંબને ૧૯ હપ્તા દરમિયાન રૂ.૩.૬૯ લાખ કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી છે અને આજે ૨૦ માં હપ્તા દરમિયાન મહીસાગર જિલ્લામાં ૧,૫૦,૫૭૮ હજારથી વધુ ખેડૂત કુટુંબને ૩૨.૧૪ કરોડથી વધુની રકમ બેંક ખાતામાં જમા થશે.
વધુમાં તેમણે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે માટે આહ્વાન કરી જણાવ્યું હતું કે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજના અમલમાં છે ત્યારે દરેક ખેડૂતો યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બને.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશન દવાઓથી ઘણી બધી ગંભીર બીમારીઓ થઈ રહી છે ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે નિરોગી જીવન અને જમીનની ગુણવત્તા જાળવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પૂર્વમંજૂરી હુકમ પત્રો એનાયત કરાયા હતા. સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન, ખેતીવાડી અધિકારીશ્રી જગદીશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




