પ્રેમ સંબંધના મામલે બે યુવકોને ઝાડ સાથે બાંધી માર મારવાના કિસ્સામાં 10 આરોપીઓની ધરપકડ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ, તા. 1 ઓગસ્ટ, 2025: તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના આધારે શહેરા પોલીસે તાડવા ગામના બે યુવકોને ઝાડ સાથે બાંધી માર મારવા અને યુવતીઓને પણ માર મારવાના કિસ્સામાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં આરોપીઓએ પ્રેમ સંબંધના કારણે મહેમદાવાદથી યુવક-યુવતીઓને બળજબરીથી ઉપાડી લાવી અત્યાચાર ગુજાર્યો હતો.શુક્રવારે, 31 જુલાઈએ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો હતો અને યુવતીઓને પણ માર મારવામાં આવી રહ્યો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન, આ વીડિયો શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાડવા ગામનો હોવાનું સામે આવ્યું હતું. પીડિત રયજીભાઈ ઉર્ફે રયલો પુનાભાઈ નાયક (રહે. મીઠાપુર, તા. શહેરા)એ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, રયજીભાઈ અને પિન્ટુ ભલાભાઈ નાયકનો વીડિયોમાં દેખાતી બે યુવતીઓ સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ ઘરેથી ભાગીને મહેમદાવાદ, ખેડા ખાતે મજૂરી માટે ગયા હતા. આ વાતની જાણ થતાં જ યુવતીઓના સંબંધીઓ – અર્જુનભાઈ ગોરાભાઈ નાયક (રહે. તાડવા), ઈશ્વરભાઈ છગનભાઈ નાયક (રહે. દરૂણિયા, ગોધરા), મહેશભાઈ દેવાભાઈ નાયક (રહે. મીઠાપુર) અને અન્ય દસેક જેટલા લોકો ઈકો ગાડીમાં મહેમદાવાદ પહોંચ્યા હતા.
ત્યાંથી તેઓએ યુવક-યુવતીઓને બળજબરીથી ગાડીમાં બેસાડી તાડવા ગામે લાવી, એક આંબલીના ઝાડ સાથે દોરડાથી બાંધી દીધા. ત્યારબાદ તેમને ગડદા-પાટુ અને લાકડાના ડંડાથી માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહી
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શહેરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કુલ 10 આરોપીઓને હસ્તગત કર્યા છે અને ગુનામાં વપરાયેલી GJ-23 BL 3150 નંબરની ઈકો ગાડી પણ જપ્ત કરી છે.
આ મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11207061250695/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.





