વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
“જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં ત્યાં દેવતાઓનો નિવાસ થાય છે.”આ ઉક્તિને સાર્થક કરતા, જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે તારીખ 31/08/25ના રોજ નારી વંદના સપ્તાહ (1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ) ના અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં ધોરણ 11 અને ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ માટે મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા અને માર્ગદર્શન આપવા માટે ખેરગામ પોલીસ મથક તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ગામીત સાહેબ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે પોલીસ કોન્સ્ટેબલશ્રીઓ બ્રિજેશકુમાર પટેલ, કાજલકુમારી ગામીત તથા ભાવિનીબેન રાઠોડ પણ હાજર રહ્યા.કોન્સ્ટેબલ શ્રી બ્રિજેશકુમાર પટેલ દ્વારા મહિલા સુરક્ષા સંદર્ભે આધુનિક અને ઉપયોગી માહિતી આપવામાં આવી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. ગામીત સાહેબે ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં વિદ્યાર્થીનીઓને સમજાવ્યું કે જાહેર સ્થળોએ સુરક્ષિત રીતે કેવી રીતે વર્તવું, કોઈ શંકાસ્પદ અથવા અપ્રિય ઘટના બને ત્યારે તરત જ માતા-પિતા, શિક્ષક કે વિશ્વાસપાત્ર વ્યક્તિને જાણ કરવી અને કઈ રીતે કાર્યવાહી કરવી એ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે સાયબર ક્રાઈમ વિષે પણ માહિતી આપી – ખાસ કરીને સોશિયલ મીડિયામાં (Facebook, WhatsApp, Instagram) યુવતીઓને કેવી રીતે લલચાવવામાં આવે છે તથા આવા સંજોગોમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેની સમજણ આપી. કોઈપણ પ્રકારની આર્થિક ઠગાઈ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિ માટે તત્કાલ 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જણાવાયું. શાળા આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલ દ્વારા પણ તેમણે પોતાના અનુભવોના આધારે વિદ્યાર્થીનીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી.આ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક શ્રી વિપુલ પવાર દ્વારા કરવામાં આવ્યું.આ રીતે કાર્યક્રમને ખૂબ જ ઉંડાણપૂર્વક, જાગૃતિભર્યા અને સફળ અંદાજમાં પૂરો પાડવામાં આવ્યો.