મોરબી : મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસ બંધ કરાવવાની માંગ સાથે જનક્રાંતિ સભા યોજવામાં આવી

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા જન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને નવરાત્રિના ત્રણેક મહિના પહેલાથી જે ડિસ્કો ડાંડીયા ક્લાસીસ શરૂ કરવામાં આવે છે અને તેમાં ફિલ્મી સોંગ અને લવ સોંગ ઉપર ડિસ્કો દાંડિયા કરવા અને વલ્ગારીટીને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે અને ત્યારબાદ ઘણા બધા દૂષણોમાં દીકરીઓ ફસાઈ જાય છે આવી ઘટનાઓ મોરબીમાં ન બને છે તે માટે પાટીદાર સમાજની દીકરીઓ સહિતનાઓએ મોરબીમાં અર્વાચીન દાંડિયા રાસને પ્રોત્સાહન આપતા એક પણ દાંડિયા ક્લાસીસમાં ન જવા માટેનો જાહેર સભામાં સંકલ્પ કર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી મોરબી સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર બ્લેકમેલનના કિસ્સાઓ વધતા હોય તેવું જોવા મળે છે અને તેમાં પણ ખાસ કરીને ડિસ્કો દાંડીયા શીખવા માટે જતી દીકરીઓને કોઈને કોઈ રીતે ફસાવવામાં આવે અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરવામાં આવે તેવા દુષણો પણ ધ્યાન ઉપર આવ્યા હતા જેથી કરીને મોરબી પાટીદાર સમાજ દ્વારા આજે મોરબીના રવાપર ગામ પાસે કેપિટલ માર્કેટ નજીક પાટીદાર જન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો, રાજકીય અને સામાજીક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મોરબીમાં ચાલતા ડિસ્કો દાંડીયા ક્લાસીસમાં શૈલતા દુષણોને ડામવા માટે થઈને સંકલ્પ કરવામાં આવ્યો છે.
હજુ નવરાત્રીને ત્રણ મહિના જેટલો સમય બાકી છે તો પણ મોરબીમાં ડિસ્કો દાંડીયાના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે અને ડિસ્કો દાંડીયા ના ક્લાસીસમાં કેટલીક જગ્યાએ વલગર ગીત ઉપર દીકરીઓને ડિસ્કો દાંડીયા શીખવવામાં આવતા હોય તેવું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો, મોરબી પાટીદાર સમાજના આગેવાનો તેમજ પાટીદાર યુવા સેવા સંઘના આગેવાનો સહિતના લોકો ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા માટે થઈને ગાંધીજી ચિંધ્યા માર્ગે ક્લાસીસના સંચાલકો પાસે પહોંચ્યા હતા પરંતુ બીજા જ દિવસે દાંડિયા ક્લાસીસના સંચાલક દ્વારા ઉદ્યોગકારોને સામાજિક તત્વો દર્શાવીને કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેથી કરીને પાટીદાર સમાજમાં રોષ ફાટી નીક્ળ્યો હતો.
મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સભાને સંબોધતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં દીકરીઓની અને દીકરાની ચેનકેન પ્રકારે સીડીઓ ઉતારીને તેમને બ્લેકમેલ કરવામાં આવતા હોય તેવી ઘટનાઓ ધ્યાન ઉપર આવી હતી અને આવા જ એક શખ્સને થોડા સમય પહેલા તેની ભાષામાં જવાબ આપીને આવા ધંધા બંધ કરવા માટે સમજાવવામાં આવ્યો હતો. જોકે ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ કરવામાં આવતો નથી પાટીદાર સમાજની દીકરીઓને પણ જો ગરબા શીખવા હોય તો તેના માટે થઈને મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે શરૂ કરવામાં આવશે અને તેમાં આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવામાં આવશે તેવું મંચ ઉપરથી આગેવાનોએ જાહેર કર્યું હતું. પરંતુ મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડિયાના ક્લાસીસ ચલાવવા નહીં દેવામાં આવે તેવી પણ ટકોર કરી હતી.
મોરબી પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજભાઈ પનારાએ સભાને સંબોધતા કહ્યું હતું કે મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં અનેક પ્રકારના દૂષણો ધમધમી રહ્યા છે અને તેમાં ખાસ કરીને દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને બ્લેક્મેલ કરવામાં આવતી હોય છે આવી ઘટનાઓને ડામવા માટે થઈને પાટીદાર સમાજે હવે જાગૃત થવાની જરૂર છે અને ઘણી વખત લુખ્ખા અનો અસામાજિક તત્વો દ્વારા યેનકેન પ્રકારે પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરીને તેઓની પાસેથી લાખો નહી કરોડો રૂપિયા પડાવવામાં આવતા હોય છે આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે તેને પાટીદાર સમાજ હવે લડી લેવા માટે થઈને તૈયાર છે અને અત્યાર સુધી પાટીદાર સમાજ ફરિયાદી બનતો હતો પરંતુ હવે આગામી દિવસોમાં પાટીદાર સમાજની દીકરીઓ કે પાટીદાર સમાજના આગેવાનોની આબરૂ ઉપર વાત આવશે તો આરોપી બનતા પણ પાટીદાર સમાજના આગેવાનો અચકાશે નહીં.
અર્વાચીન રસોત્સવમાં અવનવા સ્ટેપ રજૂ કરવા માટે થઈને ડિસ્કો દાંડિયા ક્લાસીસની અંદર દીકરીઓ સ્ટેપ શીખવા માટે જતી હોય છે પરંતુ પ્રકારે ત્યાં આવતા લુખ્ખા તત્વો અને રોમિયોગીરી કરનારા શખ્સો દ્વારા તેઓને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેઓની જિંદગી બરબાદ થઈ જાય છે આટલું નહીં તેઓના પરિવારની જિંદગી પણ બરબાદ થઈ જાય છે જેથી આવી ઘટનાઓ મોરબીમાં હવે ન બને તે માટે થઈને મોરબીથી ડિસ્કો દાંડીયા ક્લાસીસ બંધ કરવા માટેનો શંખનાદ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે અને આ મેસેજ સમગ્ર ગુજરાતની અંદર જાય તો અનેક દીકરીઓની જિંદગી બરબાદ થતી બચી જાય અને અનેક પરિવારો બરબાદ થતા બચી જાય તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.











