ગોધરામાં પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દિવ્ય રક્ષાબંધન સ્નેહ મિલનનું આયોજન

પ્રતિનિધિ ગોધરા તા.4
નિલેશભાઈ દરજી શહેરા
પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગોધરા દ્વારા છારીયા ખાતે રાજ ઋષિ સ્ટ્રીટ સેન્ટરમાં ‘દિવ્ય રક્ષાબંધન સ્નેહ મિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૨૫-૨૬ માં ‘વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન’ના વૈચારિક સંદેશને આધ્યાત્મિકતા સાથે જોડીને ફેલાવવાનો હતો.પત્રકાર એકતા પરિષદ અને લાયન્સ ક્લબ ગોધરાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ કેતકીબેન સોની અને પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ પ્રદીપભાઈ સોનીએ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. માનસી મંજાણીએ નૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે બ્રહ્મા કુમારી સુરેખાબેને રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વ અને તેની અર્થપૂર્ણ વ્યાખ્યા વિશે પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ટેકનોલોજીના કારણે સમાજ અને પરિવારોમાં વ્યક્તિઓ વચ્ચેના અંતર વધી રહ્યા છે. આ અંતર ઘટાડવા અને એકતા પુનઃસ્થાપિત કરવા માટે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું અત્યંત જરૂરી છે. આ સંદેશ ઉપસ્થિત પત્રકારો અને મહાનુભવોએ ગ્રહણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં બી.કે. રત્નદીદી, બી.કે. ઈલા દીદી, બી.કે. શૈલેષભાઈ સહિત અન્ય વક્તાઓએ પણ આધ્યાત્મિક વાણી દ્વારા મહેમાનોને માર્ગદર્શન આપ્યું હતું.






