AHAVADANGGUJARAT

ડાંગમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાના ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલમાં કરવામાં આવી હતી.આ ઉજવણી પ્રસંગે મહિલાઓ માટે સ્વરોજગાર મેળાનું પણ આયોજન કરાયું હતું. જેમાં નોકરીવાંચ્છુ કુલ ૬૨૯ ઉમેદવારનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી ૨૧૫ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપતા કુલ ૧૮૬ મહિલાઓની વિવિધ સંસ્થામાં નોકરી માટેની પ્રાથમિક પસંદગી થવા પામી હતી.

આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે મહિલાઓને સંબોધતા જણાવ્યુ કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભથી આજે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની છે. હાલમાં ચાલી રહેલા નારી વંદન ઉત્સવ દરમિયાન સપ્તાહ સુધી મહિલાઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર મહિલાઓના કલ્યાણ માટે કામગીરી થઈ રહી છે. પહેલાના સમયમાં મહિલાઓ માત્ર ઘર પૂરતી જ સીમિત રહેતી હતી. પરંતુ હવે ડાંગની મહિલાઓ પણ કોઈથી પાછળ રહી નથી. પુરૂષની હરોળમાં આવીને કામ કરી ખૂબ આગળ વધી સમાજને ગૌરવ અપાવી રહી છે.
પશુપાલનના વ્યવસાયમાં મહિલાઓએ કાઠુ કાઢયુ હોવાનું જણાવી નાયબ દંડકશ્રીએ વધુમાં જણાવ્યું કે, પહેલા દૂધ મંડળી પુરૂષો ચલાવતા હતા. પરંતુ હવે મહિલાઓએ દૂધ મંડળીની બાગડોર સંભાળી છે. જેનાથી મહિલાઓની આર્થિક ઉન્નતિ થઈ રહી છે. મહિલા સંચાલિત કેટલીક દૂધ મંડળીઓ લાખથી કરોડ સુધીનું ટર્ન ઓવર કરી રહી છે. હાલમાં સાપુતારામાં ચાલી રહેલા મોન્સુન ફેસ્ટીવલમાં પણ સખી મંડળની બહેનો આર્થિક રીતે રોજગાર મેળવી પગભર બની રહી છે. મહિલાઓને સામર્થ્યવાન બનાવવાનું કામ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ છે. આજે મહિલાઓને ચૂંટણીમાં ૫૦ ટકા અનામત આપવામાં આવે છે. આજની નારી સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બને અને સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ અમલમાં મુકાય છે. જેનો લાભ લેવા માટે મહિલાઓએ જાગૃત રહેવુ જરૂરી છે, અને જે મહિલાઓએ લાભ મેળવ્યો હોય તેમણે જે વંચિત હોય તેને પણ કલ્યાણલક્ષી યોજનાની જાણ કરી લાભ અપાવી પૂણ્યના કામમાં સહભાગી થવુ જોઈએ.

ગુજરાતની અવિરત વિકાસ યાત્રામાં હરહંમેશ મહિલાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ડાંગ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મહિલા કલ્યાણને લગતી યોજનાના લાભ અંગે નાયબ દંડકશ્રીએ વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં કુલ ૫,૮૨૫ જેટલી વિધવા બહેનોને દર માસ રૂ. ૧૨૫૦ સહાય પેટે ચૂકવવામાં આવે છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૧,૦૫૪ અરજી મંજૂર કરી છે. જેમાં દીકરી ૧૮ વર્ષ પૂર્ણ કરશે ત્યારે તેના ઉચ્ચ અભ્યાસ કે લગ્ન માટે રૂ. ૧૧૦૦૦૦/- ની સહાય મળશે. આજે આ કાર્યક્રમાં જ વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૭૪ દીકરીઓને રૂ. ૮૧,૪૦,૦૦૦/- ના મંજૂરી હુકમનું વિતરણ કરી દીકરીઓના ઉજ્વળ ભવિષ્યને સુનિશ્ચિત કર્યુ છે.

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજના અને મહિલા સશક્તિકરણ માટે લેવાઈ રહેલા પગલાની વાત કરી આજની મહિલા સખી મંડળ અને દૂધ મંડળી સાથે જોડાયને આત્મનિર્ભર બની રહી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે મહિલાઓના આર્થિક પ્રગતિથી દેશ સશક્ત બનશે એવું ઉમેર્યુ હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે સાત નોકરીદાતાઓનું સન્માન કરાયું હતું. સાથે જ મહિલા કલ્યાણની વિવિધ યોજના જેવી કે, વ્હાલી દીકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના મંજૂરી હુકમ તેમજ દીકરી વધામણાં કીટ અને એજ્યુકેશન કીટનું વિતરણ લાભાર્થીઓને કરાયું હતું.

કાર્યક્રમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓને લીડ બેંક મેનેજર શ્રી વિશાલ પતંગેએ બેંકિંગ વિશે તેમજ વીમા કવચ વિશે માહિતી આપી હતી. જિલ્લા રોજગાર કચેરીના યંગ પ્રોફેશનલ ઝેડ.એફ.રાજે અનુબંધ પોર્ટલ, કુટિર ઉદ્યોગ કેન્દ્રના સહકારી અધિકારી ડી.આર.વાઘે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોજનાલક્ષી માહિતી,  મહિલા અને બાળ અધિકારી સોનલ ગવલીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય અને ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના મરિયમ ગામીતે મહિલાલક્ષી યોજના અને આચલ રાજપુતે મહિલા સ્વાવલંબન યોજના, વન સ્ટોપ સેન્ટરના સંચાલક રેખાબેન ધુમ એ વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર અંગે, હિના ગાવિતે અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમની માહિતી જયમતિ પટેલે માહિતી આપી હતી. મહિલા સ્વાવલંબન યોજના લાભાર્થી અફસાનાબેને સાફલ્ય ગાથા જણાવી હતી.

આ ઉજવણીમાં આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કમલેશ વાઘમારે, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નિલમ ચૌધરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન બીબીબેન ચૌધરી, તાલુકા પંચાયતના સભ્ય કમળાબેન રાઉત સહિત અનેક મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કસ્તુરબા બાલિકા વિદ્યાલયની દિકરીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. સ્વાગત પ્રવચન મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.મનીષાબેન મૂલતાનીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ રોજગાર કચેરીના આંકડા મદદનીશ દિનેશ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્મિતાબેન પટેલે કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!