અમદાવાદમાં રોજગાર ભરતી મેળો યોજાયો: 350થી વધુ મહિલાઓનો ઉત્સાહભેર સહભાગ, 247થી વધુ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના અસારવા વિસ્તારમાં અસારવા બહુમાળી ભવન ખાતે આયોજિત રોજગાર ભરતી મેળો ખાસ કરીને મહિલાઓ માટે આશાવાદ અને આત્મનિર્ભરતાનું મંચ સાબિત થયો હતો. અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ ભવ્ય મેળામાં મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક મહિલાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 350થી વધુ રોજગાર ઈચ્છુક મહિલાઓ આ મેળામાં જોડાઈ હતી, જ્યારે 247થી વધુ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓની તકો ઉપલબ્ધ રાખવામાં આવી હતી, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પદવીધારકો સહિતના ઉમેદવારોને સારી પદવી પર પ્રાથમિક પસંદગી આપવામાં આવી હતી.
આ ભરતી મેળામાં કુલ 11 પ્રખ્યાત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓએ ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યૂ લીધા હતા. પ્લાનેટ એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સ, ટ્રસ્ટ બોક્સ ગ્લોબલ સોલ્યુશન, હેવમોર આઈસ્ક્રીમ, નંદી પંચગાવીય પ્રા.લિ., કેરિયર ઝોન કન્સલ્ટન્સી, કોમલ વર્લ્ડવાઈડ, ગઝલ સલૂન, ક્લીન ઓર્ગેનિક્સ જેવી કંપનીઓએ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરી હતી.
પસંદગી પામેલા ઉમેદવારોને એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેકનિશિયન, એચઆર એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, માર્કેટિંગ મેનેજર, રિલેશનશીપ મેનેજર, ટેલિકોલર, ઇલેક્ટ્રિશિયન વગેરે પદો માટે પસંદ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મહિલાઓ માટે આ મેળો આત્મવિશ્વાસ વધારવા અને સ્વાવલંબન તરફ એક પગલું સાબિત થયો.
કાર્યક્રમ દરમિયાન રોજગાર એનાયત પ્રમાણપત્ર વિતરણ, મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત સબસિડી ચેક વિતરણ તેમજ અન્ય પ્રેરક કામગીરી બદલ પસંદગીના ઉમેદવારોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
મેળાના અંતર્ગત આયોજિત સ્વરોજગાર શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી. તેઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મુદ્રા લોન, સ્ટાર્ટઅપ સહાય યોજના, મહિલા ઉત્કર્ષ યોજના વગેરેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ઘણા યુવાનો અને મહિલાઓના જીવનમાં નવી દિશા અને દૃષ્ટિની શરૂઆત થવાની શક્યતા છે.
આ અવસરે નાયબ નિયામક રોજગાર કચેરી એમ. આર. સાહની, રોજગાર અધિકારી દવેભાઈ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. જસાણી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી વૃતિકા વેગડા સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, સામાજિક કાર્યકરો અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પ્રકારના રોજગાર મેળા દ્વારા સરકારની પ્રયાસશીલતા સ્પષ્ટ થાય છે કે, રોજગાર માટે ઇચ્છુક નાગરિકોને પાયાભૂત તક મળી રહે અને લોકો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે.






