Rajkot: આયુષ્માનકાર્ડઃ ‘આરોગ્યના અધિકાર સાથે સારવારની ગેરંટી’

તા.૫/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદિપકુમાર કાનાણી, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ
રાજકોટ જિલ્લામાં રોજ સરેરાશ ૩૫૦થી વધુ દર્દીઓ મેળવે છે આશરે રૂ. ૧.૧૬ કરોડથી વધુની સારવાર
છેલ્લા બે વર્ષમાં ૨.૬૭ લાખથી વધુ દર્દીઓને રૂ. ૮ અબજ ૪૨ કરોડથી વધુની રકમની સારવાર મળી
Rajkot: રાજકોટના જ્યુબિલી વિસ્તારમાં રસ્તાના કિનારે બેસીને બુટપોલિશ તથા બૂટ-ચપ્પલ રીપેરીંગનું કામ કરતા વાલજીભાઈ દેવશીભાઈ થારૂને ૫૭ વર્ષે હાર્ટએટેક આવ્યો. તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડે તેમ હતી. ઘરની સામાન્યસ્થિતિ વચ્ચે ઓપરેશનના લાખો રૂપિયા કેમ કાઢવા તે પ્રશ્ન થયો… પણ આ પરિવાર પાસે આયુષ્માન કાર્ડ હતું, એટલે પરિવારના સભ્યોએ ખર્ચની ચિંતા વિના વાલજીભાઈને તાત્કાલિક રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાં તેમની બાયપાસ સર્જરી સફળતાપૂર્વક થઈ. હવે વાલજીભાઈ સ્વસ્થ છે અને આખો દિવસ સ્ફૂર્તિ સાથે કામ કરીને રોજના ૪૦૦-૫૦૦ રૂપિયા જેવું કમાઈ લે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮માં શરૂ કરાવેલી ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ (પી.એમ.-જે.એ.વાય.) વાલજીભાઈ થારૂ સહિત દેશના કરોડો ગરીબ તથા સામાન્ય પરિવારો માટે ‘સારવારનો આધાર’ બની છે.
આયુષ્યાન કાર્ડ પ્લાસ્ટિકનું કોઈ સામાન્ય કાર્ડ નથી પણ દેશના કરોડો લોકોને મળેલો ‘સ્વાસ્થ્યનો અધિકાર અને ૧૦ લાખની સારવારની ગેરંટી’ સમાન છે. એક સમયે પ્રાઈવેટ-કોર્પોરેટ હોસ્પિટલમાં સારવારની કલ્પના પણ ના કરી શકતા લોકો આજે આયુષ્માન કાર્ડ થકી એમ્પેનલ્ડ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવતા થયા છે.
રાજકોટ જિલ્લામાં હાલમાં કુલ ૧૫,૫૦,૮૨૩ પરિવારોના આયુષ્માન કાર્ડ નીકળેલા છે. જેમાં એન.એફ.એસ.એ. (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) શ્રેણીમાં ૬,૮૫,૯૪૦ કાર્ડ, આદિવાસી જનજાતિ માટેની કેટેગરી પી.વી.ટી.જી. (પર્ટીક્યુલર વલ્નરેબલ ટ્રાયબલ ગ્રૂપ) હેઠળ ૪૫૭ કાર્ડ, વયવંદના હેઠળ કોઈપણ આવકમર્યાદા ધ્યાને લીધા વિના ૭૦થી વધુ વર્ષના સિનિયર સિટીઝનોની શ્રેણીમાં ૧,૨૬,૭૨૫ કાર્ડ તથા મુખ્યમંત્રી મા અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ ૭,૩૭,૭૦૧ કાર્ડ નીકળેલા છે.
સારવારની દ્રષ્ટિએ જોઈએ તો, રાજકોટ જિલ્લામાં દરરોજ સરેરાશ ૩૭૦થી વધુ લોકો આયુષ્માન કાર્ડ હેઠળ આશરે રૂ. ૧.૧૬ કરોડની સારવાર મેળવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૨,૬૭,૪૧૯ લોકોએ આયુષ્માન કાર્ડ થકી સારવાર મેળવી છે, જેની પાછળ ૮ અબજ ૪૨ કરોડ ૦૯ લાખથી વધુ રૂપિયાના ક્લેઈમ રજૂ થયા છે.
જિલ્લામાં ૧૧ જુલાઈ ૨૦૨૩થી ૧૦ જુલાઈ ૨૦૨૪ સુધીમાં કુલ ૧,૨૧,૬૭૫ ક્લેઇમ રજૂ થયા છે. જે અંતર્ગત રૂ. ૪,૭૮,૭૩,૫૧,૯૮૦ (રૂ.પોણા પાંચ અબજથી વધુ)ની સારવાર કરવામાં આવી છે.
જ્યારે ૧૧ જુલાઈ ૨૦૨૪થી લઈને ૧૬ જૂન ૨૦૨૫ સુધીમાં ૧,૨૧,૬૭૫ ક્લેઈમ રજૂ થયા છે. જેની સામે રૂ. ૩,૬૩,૩૫,૫૮,૪૫૭ (રૂ. ત્રણ અબજ ૬૩ કરોડથી વધુ)ની સારવાર કરવામાં આવેલી છે.
આયુષ્માન ભારત: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ આપવામાં આવતા આયુષ્માન કાર્ડ કરોડો ભારતીયો માટે જીવનરક્ષક સાબિત થયા છે. આ કાર્ડ તેમને મોંઘી સારવારના બોજમાંથી મુક્તિ અપાવી રહ્યા છે, જેનાથી તેઓ નાણાકીય ચિંતા વિના સારવાર કરાવી શકે છે.
બીમારીની સાથે મળી આર્થિક બોજામાંથી મુક્તિ
આયુષ્માન કાર્ડ અનેક પરિવારોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે. પહેલાંના સમયમાં લોકો જટીલ બીમારીઓની મોંઘી સારવાર કરાવવામાં આર્થિક ચિંતાના કારણે ખચકાતા હતા. સારવાર માટે મોટું દેણું કરવું પડતું અને બીમારીથી નીકળવાની કવાયતમાં પરિવાર આર્થિક પાયમાલ થઈ જતો. પરંતુ આયુષ્માન કાર્ડ થકી હવે તેઓ ગૌરવભેર સારવાર કરાવી શકે છે. આ યોજના થકી અનેક માતા-પિતાએ પોતાના બાળકોને નવું જીવન મળ્યું હોવાનો આનંદ અનુભવ્યો છે, તો ઘણા વૃદ્ધોએ લાંબા સમયથી પીડાદાયક બીમારીમાંથી મુક્તિ મેળવી છે.
આયુષ્માન એટલે રૂ. ૧૦ લાખનું ‘આરોગ્ય કવચ’
આયુષ્માન કાર્ડધારકોને દર વર્ષે રૂ. ૧૦ લાખ સુધીની મફત તબીબી સારવારનો લાભ મળે છે. આમાં હોસ્પિટલાઇઝેશન, ઓપરેશન, દવાઓ, નિદાન અને ફોલો-અપ સારવારનો સમાવેશ થાય છે. આ સુવિધા સરકારી અને પસંદગીની ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. આ કાર્ડ ખર્ચાળ ઓપરેશનો જેમ કે હૃદયરોગ, કેન્સર, કિડની ફેલ્યોર વગેરે માટે પણ રક્ષણ પૂરું પાડે છે.
આયુષ્માનઃ સ્વસ્થ સમાજ થકી સશક્ત દેશનું નિર્માણ
આયુષ્માન કાર્ડ યોજના વ્યક્તિગત સાથે સામુદાયિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે. સમાજના વધુ લોકો ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મેળવી શકે, ત્યારે સમાજમાં રોગોનું પ્રમાણ ઘટે છે અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. જેનાથી દેશ પણ વધુ સશક્ત થાય છે. સ્વસ્થ નાગરિકો દેશના વિકાસમાં વધુ યોગદાન આપી શકે છે.
આયુષ્માનઃ આશા, આરોગ્ય અને ‘આર્થિક સુરક્ષાનું શક્તિશાળી સાધન’
આયુષ્યમાન કાર્ડ ખરેખર “સર્વજન સુખાય, સર્વજન હિતાય” ના સિદ્ધાંતને અનુસરીને, દરેક ભારતીયના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક અમૂલ્ય ભેટ છે. તે માત્ર એક કાર્ડ નથી, પરંતુ લાખો લોકોના જીવનમાં આશા, આરોગ્ય અને આર્થિક સુરક્ષા લાવનાર એક શક્તિશાળી સાધન છે.




