અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિન નિમિત્તે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન: તિરંગા યાત્રા પણ રહેશે વિશેષ આકર્ષણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણીના અનુસંધાને રાજ્યભરના વિવિધ શહેરો અને તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અત્રે અમદાવાદ શહેરમાં પણ સંસ્કૃતના ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધનના પવિત્ર ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારી (શહેર અને ગ્રામ્ય) કચેરી દ્વારા “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે.
આ ગૌરવ યાત્રાનું પ્રારંભ આવતીકાલે તારીખ 6 ઓગસ્ટ 2025ના રોજ સવારે 7 વાગ્યે પ્રભાત ચોક પરથી થવા જઈ રહ્યું છે. યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કલાપ્રેમીઓ તથા સંસ્કૃતભાષા પ્રત્યે લાગણી ધરાવતા નાગરિકો જોડાવાના છે. યાત્રા દરમિયાન સંસ્કૃતના મહિમા અને ભારતની સંસ્કૃતિને ઉજાગર કરતા સૂત્રો, બેનરો, સંગીત, નાટ્ય રૂપાંતર તથા સાંસ્કૃતિક રજૂઆતથી ભવ્ય દૃશ્યપટ સર્જાવાનો છે.
વિશેષ મહત્વની બાબત એ છે કે આ યાત્રામાં તિરંગા યાત્રાને પણ સામેલ કરવામાં આવી છે. “મેરે દેશકા તિરંગા” થીમ સાથે દેશભક્તિપૂર્ણ માહોલમાં તિરંગાના પ્રતીકાત્મક ગૌરવ સાથે જોડાઈને યાત્રામાં દેશના અમૂલ્ય મૂલ્યોને રજૂ કરવામાં આવશે. યાત્રામાં તિરંગા થીમ પર આધારિત “સેલ્ફી પોઈન્ટ” પણ ખાસ ઊભા રાખવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો યાદગાર ક્ષણો ફોટોગ્રાફ દ્વારા સુરક્ષિત કરી શકશે.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાની ઉજવણી કરતા ઉત્સવ રૂપે જનમાનસમાં તેની મૂલ્યવત્તા માટે જાગૃતિ ફેલાવવાનો છે. આજની પેઢી સુધી સંસ્કૃતના ઐતિહાસિક વારસાની સમજણ પહોંચાડવી અને તેને આધુનિક સમયમાં પણ ઉપયોગી બનાવવા માટેના પ્રયાસરૂપે આ યાત્રા મહત્વપૂર્ણ બની રહેવાની આશા છે.
આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન જિલ્લા વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ તેમજ વિવિધ શાળાઓના સંકલનથી થવાનું છે. યાત્રા દરમિયાન શાંતિ, શિસ્ત અને સામૂહિક હિતને કેન્દ્રમાં રાખીને સંસ્કૃત ભાષા અને રાષ્ટ્રપ્રેમની ભાવના નાંગી નહી રહે તેવા પ્રયાસો હસ્તક લેવામાં આવશે.
આ પ્રસંગે નાગરિકોને યાત્રામાં જોડાવા માટે ખુલ્લો આમંત્રણ આપવામાં આવ્યું છે અને અહિંસાપૂર્વક, ઉત્સાહભેર સંસ્કૃતના ગૌરવમાં ભાગીદારી નિભાવવાની અપીલ કરવામાં આવી છે.



