દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ખાતે નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અન્વયે “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી કરાઇ

માહિતી બ્યુરો- દેવભૂમિ દ્વારકા
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી – દેવભૂમિ દ્વારકા દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી અંતર્ગત ‘ મહિલા કર્મયોગી દિવસ’ નિમિત્તે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે સેમિનારનું આયોજન જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશકુમાર.ડી.ભાંભી દ્વારા મહિલા કર્મયોગી દિવસનું મહત્વ સમજાવતા જણાવવામાં આવેલ કે, મહિલાઓ માટે કામનું સ્થળ અને કામ પ્રત્યે મહિલાઓની ભાગીદારી શું છે? તેમજ કામકાજના સ્થળે જાતિય સતામણી અંતર્ગત આંતરિક અને સ્થાનિક સમિતિ અને કાયદાની વિવિધ જોગવાઈઓ અને વિવિધ ઉદાહરણો સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને કાયદા અન્વયે રચાયેલ જિલ્લાની સ્થાનિક સમિતિના સભ્ય જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ક્રિષ્ના સોલંકી દ્વારા કામના સ્થળે મહિલાઓની ફરજ અને જવાબદારી વિશે વિસ્તૃત માહિતી આપી કાયદાનો દુરુપયોગ ન થાય તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સરકારી વકીલશ્રી અલ્પેશભાઈ પરમાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિઓ સતામણી અધિનિયમ- ૨૦૧૩ ના ઇતિહાસથી લઈ હાલની કાયદાકીય અને અમલની સ્થિતિ વિશેની વિવિધ જોગવાઇઓથી અવગત કરી મહિલાઓનાં અધિકારોનાં સંરક્ષણ અંગે જાણકારી આપી હતી તેમજ સાથે પ્રશ્નોત્તરી કરી સરળ ભાષામાં કામકાજના સ્થળે જાતીય સતામણી, દહેજ સહિતના કાયદાઓની જાણકારી આપવામાં આવી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.સી.બી.ચોબિસા દ્વારા ઉપસ્થિત લાભાર્થીઓને PC&PNDT Act અંતર્ગત વિગતવાર માહિતી આપી હતી. ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના જિલ્લા કોર્ડિનેટર દિવ્યાબેન બારડ દ્વારા DHEW, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા મહિલા અને બાળકો માટે ઉપલબ્ધ સેવાઓ તથા યોજનાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
કાર્યક્રમમાં કાયદા આધારિત બનેલ “પ્રતિકાર” નામની શોર્ટ ફિલ્મ દ્વારા કર્મચારીઓની જાતિય શોષણ સામે અવાજ ઉઠાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી પી.પી.જાદવ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પૂનમબેન સાકરીયા, ખંભાળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ્રીશ ચાંડેગરા, લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલ ગોપીબેન મૂંગરા, ડી.પી.એચ.એન. જસુબેન બરાઈ. મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના પ્રકલ્પોના કર્મચારીઓ તથા આરોગ્ય વિભાગમાંથી હેલ્થ વર્કર બહેનો તથા આશા ફીસીલીટેટર અને આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા.





