MORBI:મોરબીમાં ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે કૅરીયર ગાઇડન્સ વર્કશોપ યોજાયો.

MORBI:મોરબીમાં ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માટે કૅરીયર ગાઇડન્સ વર્કશોપ યોજાયો.
મોરબી : સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સમગ્ર શિક્ષા કચેરી મોરબી દ્વારા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 9 થી 12 ના અંદાજીત ૧૨૦૦ વિદ્યાર્થીઓ માટે કૅરીયર ગાઇડન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. તા.06.08.2025 ના રોજ મોડેલ સ્કુલ હળવદ ખાતે ૩ શાળાઓ તથા કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલય તથા મ્યુનીસીપલ ગર્લ્સ હાઇસ્કુલ વાંકાનેર ખાતે કુલ ૭ શાળાઓના વિદ્યાર્થીઓને માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો વર્કશોપ યોજાઈ ગયો. આજરોજ તારીખ 07.08.2025 સવારે 9:00 થી 12:00 શ્રી ધી.વી.સી.હાઇસ્કૂલ મોરબી ખાતે ટંકારા તાલુકાની ૧, મોરબીની ૨, તેમજ માળિયાની ૨ માધ્યમિક શાળાના વોકેશનલ વિષય ધરાવનાર અંદાજીત ૫૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને સ્ટેશનરી કીટ આપી પ્રોત્સાહિત કર્યા બાદ કાર્યક્રમની શરૂઆતમાં સમગ્ર શિક્ષાના જિલ્લા AR & VE કૉર્ડિનેટર મુકેશભાઈ ડાભીએ સ્વાગત અને પરિચય કરાવ્યો હતો. ધી.વી.સી. હાઇસ્કૂલના પ્રિન્સીપાલ વાઘેલા સાહેબે પ્રેરક પ્રવચન આપ્યું હતું. મોરબી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કમલેશ મોતા સાહેબે બાળકોને ઉચ્ચ અધિકારી બનવા તથા એ ના બની શકીએ તો નાસીપાસ ના થઈને પણ પોતાની સ્કીલ અને શોખ સાથે વોકેશનલ વિષય દ્વારા કૌશલ્યલક્ષી શિક્ષણ મેળવીને પણ કઈ રીતે કારકિર્દી બનાવી શકાય તે બાબતે બાળકોને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. ITIના ઈન્સ્ટ્રકટર કુલદીપભાઈ ભાલોડિયાએ વિદ્યાર્થીઓને ITI ખાતે ચાલતા વ્યવસાયલક્ષી કોર્ષ અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કારકિર્દી માર્ગદર્શન માટે પ્રોત્સાહિત કરવા માટે રાજકોટથી રામાણી ઇન્સ્ટિટયૂટ ઓફ સિવિલ સર્વિસના ફાઉન્ડર ડૉક્ટર વી.કે.રામાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુપીએસસીમાં પણ ગુજરાતના બાળકો અગ્રેસર હોય એ ધ્યેય સાથે વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની પરીક્ષા અંગે યુપીએસસી, જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની યોગ્ય સમાજ આપી લક્ષ નક્કી કરી શકે તે માટેનું બીજ રોપ્યું તથા પરીક્ષાની તૈયારી ઉત્કૃષ્ટ રીતે કરવી તે અંગે ખૂબ સુંદર માહિતી અને પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવનાર સાબિત કરી શકાશે એવુ કાર્યક્રમના અંતે જણાયું હતું. સાહેબશ્રી અને તજજ્ઞો દ્વારા અપાયેલ માર્ગદર્શન અને પ્રેરણાથી અનેક વિદ્યાર્થીઓએ તેમના ભવિષ્ય માટે યોગ્ય દિશા પસંદ કરી શકશે. ડો. રામાણી સરના દોઢ કલાકના પ્રેરણાદાયી સેશન દરમિયાન વિદ્યાર્થીઓને ખૂબ ઉત્કૃષ્ટ રીતે જાણકારી પ્રાપ્ત થઈ અને એક નવી ઉર્જાનો સંચાર થયો હતો એવું સમગ્ર શિક્ષા કચેરી મોરબીના વોકેશનલ એજ્યુકેશન કોઓર્ડીનેટર ખુશ્બુબેન શાહ પોતાના આભાર દર્શનમાં જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષાના સ્ટાફ, BRP, તમામ શાળાના આચાર્યશ્રી, વોકેશનલ ટ્રેનર તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામને સ્વરુચિ ભોજન આપવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કૉર્ડિનેટર શૈલેષ કાલરિયાએ કર્યું હતું.











