નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃભકો, સુરત અને કે.વી.કે, નવસારી ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેડૂત જાગૃતતા શિબિર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સુમિત સાળંખેએ સર્વેનું શાબ્દિક સ્વાગત કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજના અંગે માહિતી આપી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડો. હેમંત શર્મા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ પ્રાકૃતિક ખેતીની સફળતા માટે AI ટેક્નોલોજીનો સમન્વય અને જમીન પાણી ના નમૂનાની ચકાસણી કરવા પર ભાર મૂક્યો હતો. તાંત્રિક સેશનમાં ડો. હેમીલ જોશી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકે જમીનની ફળદ્રુપતા માટે અને બાયોચારનું જમીનની ફળદ્રુપતા માટે શું મહત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. ધર્મેન્દ્રસિંહ પરમાર પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમજ ભૂમિ ઉપચાર અને બાયોચાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં કૃભકોના એરિયા મેનેજર શ્રી. ડી.એમ.નાયકે પ્રાકૃતિક ખેતી તેમજ Al ટેક્નોલૉજીનો સેકન્ડરી ઉપયોગ કરવા વિશે સમજ આપી આ કાર્યક્રમમાં જીન બેંક અને AI Fyllo વેધર સ્ટેશન અને AI ટેક્નોલોજી વિશે શ્રી. હર્ષદભાઈ પટેલ અને આદિત્ય ભટનાગરે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનુ સફળ સંચાલન કેન્દ્રના વૈજ્ઞાનિક નિતલ પટેલ, દીક્ષિતા પ્રજાપતિ અને હાંસાપોરના પ્રગતિશીલ ખેડૂત શ્રી પરિમલભાઈ નાયકે કર્યું હતું. તેમજ કાર્યક્રમનુ સંકલન ડો. કે.વી. મકવાણા એ કર્યું હતું. કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.