Rajkot: રાજકોટ ‘જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૫-૨૬ માટે અરજીપત્રકો મગાવાયા

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેર-ગ્રામ્યના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે*
Rajkot: ગુજરાત સરકારના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગરના ઉપક્રમે, જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા રાજકોટ ‘જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૫-૨૬’નું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. જેમાં રાજકોટ શહેર-ગ્રામ્યના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષાના પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા કલાવૃંદે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ નિયત નમૂનાના અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. જેની સાથે આધારકાર્ડ, જન્મતારીખના પ્રમાણપત્રની નકલ તેમજ રજૂ કરવાની કૃતિના શબ્દોની નકલ સાથે અરજી બે નકલમાં તૈયાર કરવાની રહેશે. આ અરજી ‘પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ’ ખાતે ૨૦મી ઓગસ્ટ ખાતે બપોરે ૨ કલાક સુધીમાં રૂબરૂ કે ટપાલથી મોકલી આપવાની રહેશે.



