Rajkot: “નારી વંદન ઉત્સવ” અંતર્ગત ‘કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી’ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વૃશાલી કાંબલે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપતો આ કાર્યક્રમ પ્રત્યેક મહિલા કર્મયોગીઓ માટે ખૂબ ઉપયોગી: કલેક્ટરશ્રી
Rajkot: “નારી વંદન ઉત્સવ” અન્વયે ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે કામકાજના સ્થળે જાતીય સતામણી વિષય અંગે જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો હતો. કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે આ સેમિનારના અધ્યક્ષસ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે, રાજ્યસરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ અને કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. મહિલાઓ કામકાજના સ્થળે કોઈ ભય વિના કામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી આપણા સૌની જવાબદારી છે. વધુ વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દરેક કચેરીમાં કામકાજના સ્થળે જાતીય સતામણી અંગેની કમિટીની રચના કરવી જરૂરી છે, જે કચેરીઓમાં આ કમિટીની રચના કરવાની બાકી હોય તેઓએ સત્વરે કમિટીની રચના કરવી જોઇએ જેથી જરૂર પડે ત્યારે મહિલાઓને મદદરૂપ થઈ શકાય. દરેક મહિલાઓને સ્વરક્ષણ માટે મહિલાલક્ષી કાયદા વિશે માહિતી આપતો આ કાર્યક્રમ પ્રત્યેક મહિલા કર્મયોગીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી વૃશાલી કાંબલેએ જણાવ્યું હતું કે, મહિલાઓ અન્ય માટે ઘણું બધું કામ કરતી હોય છે, પરંતુ જ્યારે પોતાના જીવન અને પોતાની સાથે થયેલા અન્યાય વિશે વિચારવાનું આવે ત્યારે હિંમત કરી શકતી નથી. પોતાની સાથે થયેલું વર્તન અને આચરણ અન્ય સાથે ન થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ મહિલાઓની જ છે.
નગરપાલિકાના વિભાગીય નિયામકશ્રી ઈલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, કામકાજના સ્થળે મહિલાઓ માટે ‘જાતીય સતામણી અધિનિયમ’ ખૂબ મહત્વપૂર્ણ કાયદો છે. આ કાયદો પીડિતાઓને ખૂબ જ ઉપયોગી છે. આજના યુગમાં નારી દરેક ક્ષેત્રે ખૂબ જ આગળ છે તેવા સમયે પ્રત્યેક બાબતમાં મહિલાઓનું મનોબળ મજબૂત બને તે માટે કાયદાઓનું યોગ્ય અમલીકરણ પણ જરૂરી છે.
કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ સેમિનારમાં એડવોકેટ શ્રી નમ્રતાબેન ભદોરિયાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કામકાજના સ્થળે મહિલાઓ સાથે જાતીય સતામણીનો કિસ્સો બન્યો હોય તો તેમને ન્યાય આપવાની અને તેમની ફરિયાદની તપાસની શું જોગવાઈ છે તે બાબતે વિગતવાર જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કચેરીમાં આવેલા કોઈપણ મુલાકાતી સાથે પણ જાતીય સતામણીની ઘટના બની હોય તો આ સમિતિ દ્વારા તેમની ફરિયાદ લઈને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ સેમિનારમાં ફરિયાદ મળ્યા બાદ સમિતિ તપાસ કેવી રીતે કરશે, કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાશે, સામેવાળા સામે શું પગલાં લેશે? સહિતનાં મુદ્દાઓ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં રાજકોટ જિલ્લાની તમામ કચેરીમાં રચાયેલી આંતરિક સમિતિના અધ્યક્ષશ્રીઓ, મહિલા સભ્યશ્રીઓ સહિત મહિલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






