NATIONAL

ભાજપ અને ચૂંટણી પંચની મીલીભગતથી ચૂંટણીઓમાં વોટ ચોરી કરીને વ્યાપક સ્તરે ગેરરીતિઓ આચરી હોવાનો હુલ ગાંધીએ આક્ષેપ કર્યો

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ અને ચૂંટણી પંચ મીલીભગતથી લોકસભા, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણીઓમાં વોટ ચોરી કરીને વ્યાપક સ્તરે ગેરરીતિઓ આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીમાં પ્રેઝન્ટેશન આપીને ‘પુરાવા’ સાથે ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર એટમ બોમ્બથી હુમલા સમાન છે. મહારાષ્ટ્રમાં પાંચ જ મહિનામાં રહસ્યમયી રીતે ૪૦ લાખ મતદારો  ઉમેરાયા હતા. રાહુલ ગાંધીએ આ છેતરપિંડીમાં સામેલ દરેક ચૂંટણી અધિકારી સામે પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી ચૂંટણી પંચ અને ભાજપની મીલીભગત અને ચૂંટણીમાં મતદાર યાદી સાથે ચેડાંના આક્ષેપો કરતા હતા.  તેમણે ટૂંક સમયમં ચૂંટણી પંચ વિરુદ્ધ એટમ બોમ્બ ફોડવાનો દાવો પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુરુવારે ઈન્દિરા ભવન મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં ‘પુરાવા’ સાથે ચૂંટણી પંચ અને ભાજપ પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે, અમારા માટે સીસીટીવી ફૂટેજ અને મતદાર યાદી હવે ગૂનાના પૂરાવા છે અને ચૂંટણી પંચ તેનો નાશ કરવામાં વ્યસ્ત છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ન્યાયતંત્રએ આ બાબતમાં દખલ કરવાની જરૂર છે, કારણ કે હવે દેશમાં લોકતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. કર્ણાટકમાં મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં એક લાખથી વધુ મતદારો નકલી, ડુપ્લિકેટ હોવાનું જણાયું છે. વધુમાં હજારો મતદારોના સરનામા ખોટા છે અને ફોર્મ ૬નો દુરુપયોગ કરીને હજારો નવા મતદારોનો ઉમેરો કરાયો છે, જેમાં અનેકની ઉંમર ૯૦ વર્ષ છે.

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની એક વિધાનસભા અને કર્ણાટકની એક લોકસભા બેઠકની મતદાર યાદી દર્શાવતા કહ્યું કે, બંને રાજ્યોની મતદાર યાદીમાં હજારો શંકાસ્પદ મતદારો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં માત્ર પાંચ મહિનામાં ૪૦ લાખ મતો રહસ્યમય રીતે ઉમેરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પરિણામો જોયા પછી અમારી શંકા પ્રબળ બની છે કે ચૂંટણીમાં મતોની ચોરી થઈ છે. મશીન રીડેબલ મતદાર યાદી નહીં આપવાથી અમને વિશ્વાસ થયો છે કે ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતોની ચોરી કરી છે. સાંજે ૫.૦૦ વાગ્યા પછી અચાનક જ મતદારો વધી જાય છે. આ બધા જ નકલી મતદારો હતો.

કોંગ્રેસ સાંસદે મતદાર યાદીમાં ઉમેરવામાં આવેલા હજારો-લાખો નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન નહીં કરતા મતોની ચોરી કરાઈ રહી છે. તેમણે અનેક આંકડાઓ ટાંકીને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલો ઊઠાવ્યા છે. રાહુલે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીના પરિણામોની દૃષ્ટિએ અમને ૧૬ લોકસભા બેઠકો પર વિજય મળે છે, પરંતુ ૨૦૨૪માં અમે માત્ર નવ બેઠકો જીતી શક્યા. અમે ૭ હારેલી બેઠકોમાંથી એક લોકસભા બેઠક બેંગ્લુરુ સેન્ટ્રલ પર તપાસ કરી હતી.

તેમણે કહ્યું, બેંગ્લુરુ સેન્ટ્રલ લોકસભા બેઠક હેઠળ મહાદેવપુરામાં ૬.૫ લાખ મતોમાંથી એક લાખ મતોની ચોરી થઈ છે. કોંગ્રેસના રિસર્ચમાં અંદાજે એક લાખ મતદારોના ખોટા સરનામા અને એક જ સરનામા પર સંખ્યાબંધ મતદારો તથા ડુપ્લિકેટ વોટર્સની ભાળ મળી હતી. એક જ વ્યક્તિનું નામ અલગ અલગ બૂથની મતદાર યાદીમાં હતું. લિસ્ટમાં અનેક જગ્યાએ લોકોના ફોટો નથી. અનેક જગ્યાએ સરનામા ખોટા છે. ચૂંટણી છેતરપિંડીમાં એ પણ સામે આવ્યું કે, મહારાષ્ટ્રમાં અનેક મતદારોના ઘરના સરનામા પર માત્ર શૂન્ય લખ્યું છે. અનેક લોકોના પિતાના નામમાં કંઈ પણ લખાયું છે. કોઈમાં પિતાનું નામ આઈટીએસડીએલ લખ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જનતામાં સત્તા વિરોધી ભાવના એટલે કે એન્ટી-ઈન્કમ્બન્સી એવી બાબત છે જે દરેક લોકતંત્રમાં દરેક પક્ષને અસર કરે છે. પરંતુ કોઈક કારણસર લોકતાંત્રિક માળખામાં ભાજપ એકમાત્ર એવો પક્ષ છે, જેણે મૂળરૂપે સત્તા વિરોધી ભાવનાનો સામનો કરવો પડયો નથી. એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલી એક વાત કહે છે, જે આપણે હરિયાણા, મધ્ય પ્રદેશની ચૂંટણીમાં જોયું. પછી અચાનક ખૂબ જ મોટા પાયા પર પરિવર્તન સાથે ચૂંટણી પરિણામ કંઈક અલગ જ દિશામાં જતા રહે છે.

Back to top button
error: Content is protected !!