મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ, ભવિષ્યના હવા આપનારા પરિપ્રેક્ષ્યમાં ‘ફોર મિલિયન ટ્રીઝ’ મિશન હેઠળ યોગદાન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ પાર્ક અર્બન ગ્રીનિંગની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું છે, જે પીપીપી મોડલ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 55 લાખના ખર્ચે 4464 ચોરસ મીટરના વિસ્તારમાં તૈયાર કરાયું છે.
આ અવસરે મુખ્યમંત્રીએ આ વિસ્તારના નાયક અને આદિવાસી યુગપુરુષ તરીકે ઓળખાતા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. તેમના જીવન મૂલ્યો અને કુદરત પ્રત્યેની વફાદારી આજે પણ સમાજ માટે પ્રેરણાદાયક છે.
આ અર્બન ફોરેસ્ટમાં મિયાવાકી પદ્ધતિથી અંદાજે 8000 જેટલા દેશી પ્રજાતિના વૃક્ષો જેમ કે સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વગેરેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેમજ 250 મીટર લંબાઇનો વોકવે પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે તાજી હવા સાથે શારીરિક તંદુરસ્તી જાળવવાનો વિશિષ્ટ અવકાશ પૂરું પાડે છે.
લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો તથા મ્યુનિસિપલ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાત સરકારનો હેતુ માત્ર સ્વચ્છતા સુધી સીમિત નથી, પરંતુ પુરશાર્થપૂર્વક દરેક નાગરિકને તાજી હવા અને હરિયાળી માહોલ પૂરો પાડવો છે. તે માટે રાજ્યભરના વિવિધ શહેરોમાં ‘ફોર મિલિયન ટ્રીઝ – 2025’ મિશન અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનો અમલ થઇ રહ્યો છે.
આ મિશન હેઠળ અમદાવાદ શહેરમાં 40 લાખ વૃક્ષો રોપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 27,11,443 વૃક્ષો રોપાઈ ચૂક્યાં છે, જે કુલ લક્ષ્યાંકના 66.77% જેટલું છે. આગામી દિવસોમાં AMC દ્વારા બાકીના વૃક્ષારોપણને ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મિયાવાકી પદ્ધતિ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 198 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. એમાંથી પૂર્વ ઝોનમાં 58, પશ્ચિમ ઝોનમાં 30, ઉત્તર ઝોનમાં 29, દક્ષિણ ઝોનમાં 18, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 32 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31 અર્બન ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
શહેરમાં આ ઉપરાંત 310 પબ્લિક ગાર્ડન પણ વિવિધ ઝોનમાં કાર્યરત છે, જેમાં 82 પશ્વિમ ઝોનમાં અને 68 ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા છે.
છેલ્લાં 6 વર્ષમાં અમદાવાદના બગીચા વિભાગ દ્વારા 1 કરોડથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વર્ષ 2019-20માં 11.58 લાખ, 2020-21માં 10.13 લાખ, 2021-22માં 12.82 લાખ, 2022-23માં 20.75 લાખ, 2023-24માં 20.06 લાખ અને 2024-25માં અત્યાર સુધીમાં 30.13 લાખ વૃક્ષો રોપાયા છે.
લાંભા જેવા વિસ્તારોમાં વિકસાવાયેલા અર્બન ફોરેસ્ટ ના માત્ર હવા અને હરિયાળી વધારશે પરંતુ શહેરી જીવનમાં થતી તણાવભરેલી દિનચર્યામાં શાંતિ અને તાજગી લાવશે. AMC દ્વારા થતી આવી પહેલો શહેરને પારિસ્થિતિક સંતુલન તરફ દોરી રહી છે.







