
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા અને શામગહાન વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી જિયોની ઈન્ટરનેટ કનેક્ટિવિટી નબળી પડી છે.આ સમસ્યાને કારણે જિયોના પ્રિપેડ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ટરનેટની ધીમી ગતિ અને કોલ ડ્રોપ થવાની સમસ્યાથી કંટાળીને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારમાં નેટવર્કની સમસ્યા હલ કરવા માટે બારીપાડા ગામમાં જિયોનો ટાવર ઊભો કરવામાં આવ્યો છે.પરંતુ, આ ટાવર માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.ટાવર ઊભો થયા પછી પણ નેટવર્કની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.યોગ્ય દેખરેખ અને ટેકનિકલ ખામીઓના કારણે છેલ્લા એક મહિનાથી આ ટાવર યોગ્ય રીતે કામ કરતો નથી, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં નેટવર્કની સમસ્યા વકરી રહી છે.આ સમસ્યાને કારણે ગ્રાહકોની રોજિંદી પ્રવૃત્તિઓ પર ગંભીર અસર પડી છે.માત્ર મોબાઈલમાં 4g અને 5g ઈન્ટરનેટ તો દેખાઈ છે.પરંતુ તેની કનેક્ટિવિટી સ્લો અથવા કામ પણ કરતી નથી.જેના કારણે ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન શિક્ષણ, અને સરકારી કામકાજ જેવા મહત્વના કાર્યો અટકી પડ્યા છે.વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાં જોડાવવામાં મુશ્કેલી પડે છે, અને વેપારીઓને ઓનલાઈન વ્યવહારો કરવામાં પણ અગવડતા પડી રહી છે.ઈન્ટરનેટની સાથે સાથે, કોલની સમસ્યા પણ ગંભીર છે. આઉટગોઇંગ અને ઇનકમિંગ કોલ વારંવાર ઠપ્પ થઈ જાય છે, જેના કારણે ગ્રાહકો પોતાના પરિવારજનો કે મિત્રો સાથે સરળતાથી વાતચીત કરી શકતા નથી. કટોકટીના સમયે પણ કોઈને સંપર્ક કરવો અશક્ય બની જાય છે, જેનાથી ગ્રાહકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ ઊભુ થયુ છે.ગ્રાહકો દ્વારા આ સમસ્યા અંગે અનેકવાર જિયો કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરવામાં આવી છે.તેમ છતાં, કંપની દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી નથી અને કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.ગ્રાહકોનું કહેવું છે કે,Ji0 કંપની માત્ર નવા ગ્રાહકોને આકર્ષવામાં જ રસ ધરાવે છે,પરંતુ હાલના ગ્રાહકોને યોગ્ય સેવા આપવામાં નિષ્ફળ રહી છે.જિયો કંપની વહેલી તકે બારીપાડા સહિત સાપુતારા પંથકનાં ટાવરની ટેકનિકલ ખામીઓ દૂર કરે અને સમગ્ર વિસ્તારમાં યોગ્ય નેટવર્ક સેવા પૂરી પાડે તેવી લોક માંગ ઉઠી છે..





