Rajkot: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાતા ગ્રામીણ શાળાના વિદ્યાર્થીઓ
તા.૧૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
બાળકોમાં દેશપ્રેમ ઉજાગર કરવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
Rajkot: રાજકોટ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે બાળકોમાં દેશપ્રેમ ઉજાગર કરવાના આશયથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ બાળકો સરકારી શાળાઓ ખાતે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં હોંશભેર ભાગ લઈ રહ્યાં છે.
જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામ ખાતે પ્રધાનમંત્રીશ્રી મોટા ગુંદાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓએ ભારત માતાની રંગોળી રચી હતી. આ ઉપરાંત, પડધરી તાલુકાની શિવપુર પ્રાથમિક શાળા ખાતે ‘આર્મીમેનને પત્રલેખન’ સ્પર્ધા યોજાઈ હતી. તેમજ વિસામણ શિવપુર પ્રાથમિક શાળા ખાતે ભારત દેશ વિષયક ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.
વધુમાં, રાજકોટ તાલુકાની માલીયાસણ તાલુકા શાળા અને ગૌરીદડ તાલુકા શાળા ખાતે ‘હર ઘર તિરંગા’ વેબસાઈટ પર સેલ્ફી અપલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ફોટોગ્રાફ ક્લિક કરાવ્યા હતાં. આમ, વિદ્યાર્થીઓ દેશપ્રેમ વ્યક્ત કરવા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈ રહ્યાં છે.