દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઈ

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા
નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આઈ.સી.ડી.એસ.વિભાગ અને પ્રોજેક્ટ તુષ્ટિના સંકલનથી “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી ખંભાળિયા ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર શ્રી ડો.ચંદ્રેશકુમાર ડી.ભાંભી દ્રારા બાળકોના આરોગ્ય અને પોષણ જાળવણી તેમજ સંબંધીત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને વિવિધ રમતોના માધ્યમથી આરોગ્ય અને પોષણ અંગેનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. ખંભાળીયાના યોગ ટ્રેનર શ્રી દિપ્તીબેન પાબારી દ્વારા સગર્ભાવસ્થા દરમિયાન કેવા પ્રકારના યોગા કરવાથી માતા અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા આરોગ્ય કાર્યકર ઝાંઝીબેન દ્વારા સ્તનપાનની યોગ્ય રીતો અંગે માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન અને મિલેટ્સ માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ તુષ્ટિના મેનેજર અભિલાષાબેન મહેતા દ્વારા બાળકોના પોષણ અને આરોગ્ય વિશે માહિતી આપતા પ્રોજેક્ટ તુષ્ટિની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.વી.શેરઠિયા, ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી બીનાબેન સિમરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીને લગત તમામ કર્મચારીઓ, આઇ.સી.ડી.એસ. કચેરીના કર્મચારીઓ, પ્રોજેક્ટ તુષ્ટિની ટીમ, આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.






