
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં દક્ષિણ ભાગમાં આવેલો ડાંગ જિલ્લો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં અહીં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.આજરોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચિકાર અને રંભાસ ગામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે, કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ પટેલ,ગમજુભાઈ ચોધરી,ધનજરાવ ભોયે,શંકરભાઈ,ભારતીબેન ચિકારનાઓ સહિત વઘઇ તાલુકાનાં આગેવાનો હાજર રહ્યા હતા.આ બેઠકનો મુખ્ય હેતુ આગામી ૧૪મી ઓગસ્ટના રોજ ધરમપુરમાં યોજાનારી જનઆક્રોશ રેલીની તૈયારીઓ કરવાનો હતો.આ બેઠકમાં સંબોધન કરતા ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સરકાર અને ખાસ કરીને સ્થાનિક સાંસદ ધવલ પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા.અનંત પટેલે જણાવ્યું કે જ્યારે દિલ્હીમાં રાજ્યસભામાં આ પ્રોજેક્ટ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકારે જવાબ આપ્યો કે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો DPR (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) સંપૂર્ણ તૈયાર છે. આ વાતથી આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે આ પ્રોજેક્ટના કારણે મોટા પાયે આદિવાસીઓ વિસ્થાપિત થશે.અનંત પટેલે જણાવ્યું કે આ પ્રોજેક્ટના કારણે ડાંગમાં દાબદર ડેમ બનવાનો છે, જેના કારણે ચિકાર સહિત અનેક ગામો ડૂબાણમાં જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે એક ઇંચ જમીન કે એક બુંદ પાણી આપવાના નથી. અમારે અહીં ડેમની એક ઇંટ પણ મૂકવા દેવી નથી.” તેમણે કહ્યું કે આગામી ૧૪મી ઓગસ્ટની રેલીમાં આરપારની લડાઈ લડવામાં આવશે અને સરકાર પાસે શ્વેતપત્રની માંગણી કરવામાં આવશે.અનંત પટેલે જૂના અને નવા DPRના આંકડા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારી આંકડાઓ ખોટા છે. તેમના મતે, જો આ વિસ્તારના ઊંચા સ્થળો સુધી પાણી પહોંચવાનું હોય, તો નીચેના વિસ્તારના ૫૦ કરતાં વધુ ગામો ડૂબાણમાં જશે. આ ઉપરાંત, કેનાલના માર્ગમાં પણ અનેક ખેતરો અને જમીનો જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર જળ, જંગલ અને જમીનને જ નુકસાન પહોંચાડશે નહીં, પરંતુ આદિવાસી સમાજની અસ્મિતા અને સંસ્કૃતિને પણ ખતમ કરી નાખશે.અનંત પટેલે ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જ્યારે સરકારના મંત્રી અને ભાજપના પ્રમુખે એવું નિવેદન આપ્યું કે અનંત પટેલ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ત્યારે સાંસદ ધવલ પટેલ પણ મેદાનમાં આવ્યા હતા.આજે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલે સાંસદ ધવલ પટેલને પડકાર ફેંકતા કહ્યું કે,
આજે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલે સાંસદ ધવલ પટેલને પડકાર ફેંકતા કહ્યું કે,”જો તારામાં તાકાત હોય તો બિન-આદિવાસી સીટ પર ઊભા રહે અને મારી સાથે ડિબેટ કર અને મને સાત ડેમના નામ, DPRની વિગતો, ડૂબાણમાં જતા ગામોની સંખ્યા અને આ પ્રોજેક્ટથી થનારા નુકસાન વિશે માહિતી આપ.” તેમણે કહ્યું કે સાંસદ ધવલ પટેલ પાસે આ માહિતી નથી અને તેમને ઉપરથી આદેશ મળ્યો છે કે ૧૪મી ઓગસ્ટની રેલીને તોડવા માટે પ્રયત્ન કરે.અનંત પટેલે ૨૦૨૨ના બનાવને યાદ કરતા કહ્યું કે ત્યારે પણ મંત્રીઓએ એવું જ કહ્યું હતું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ ૨૨મી મે, ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.અનંત પટેલે ભાજપ સરકાર પર આદિવાસી સમાજ પ્રત્યે લાગણી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.આ પ્રોજેક્ટને લઈને આદિવાસી વિસ્તારમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે.એક તરફ રાજ્ય સરકારે ચૂંટણી વખતે આ પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત કરી હતી, જ્યારે હવે સંસદમાં ફરીથી DPR રજૂ કરાયા હોવાની માહિતી મળતા આદિવાસીઓ રોષે ભરાયા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આગામી ૧૪મી ઓગસ્ટના રોજ ધરમપુરમાં રેલીનું આયોજન કર્યું છે, જેનાથી રાજકારણ વધુ ગરમાયું છે.







