Rajkot: કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે “શૌર્યનું સિંદુર” લોકમેળા-૨૦૨૫ના સ્થળની મુલાકાત લીધી: વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા અધિકારીઓને સૂચના – માર્ગદર્શન આપ્યા

તા.૧૩/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૪ ઓગસ્ટથી શરૂ થનારા “શૌર્યનું સિંદૂર-૨૦૨૫” લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ લોકમેળામાં ઉમટી પડનારા જન સમુદાય કોઈ તકલીફ વગર આરામદાયક રીતે મેળો માણી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. મેળાની તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે આજે મેળાનાં સ્થળની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ સભ્યોને તેમની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આજે લોકમેળા આયોજન સમિતિ દ્વારા લોકમેળાના રૂટની મુલાકાત કરવામાં આવી છે. મેળાની તમામ રાઇડ્સ, ખાણીપીણી, સ્ટોલ્સ, એક્ઝિબિશન સહિતના તમામ સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી. મેળામાં લોકો સુગમતા સાથે હરી–ફરી શકે તે માટે ચાલવાનાં રસ્તાની પહોળાઇ વધારવામાં આવી છે.
લોકમેળાની સુરક્ષા અંગે કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે, મેળામાં પૂરતી સંખ્યામાં વૉચ ટાવર બનાવવામાં આવ્યા છે, જેમાંથી પાંચ વૉચ ટાવર નજીકમાં ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત રાખવામાં આવી છે, જેમાં NDRF, SDRF, હેલ્થ, પોલીસ અને ફાયર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તેવા સંજોગોમાં આ ટીમ ઝડપથી સક્રિય થઈ જરૂરી પગલા લઈ શકે. આ ઉપરાંત, ઈવેક્યુએશન પ્લાનની પણ બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી છે, તેમજ મેળામાં ગેરકાયદે દબાણ ના થાય તે બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ઈવેક્યુએશન (સ્થળાંતર) પ્લાનના રૂટ પર પાક્કું બેરીકેટીંગ કરવામાં આવશે, જેથી આપાતકાલીન સ્થિતિમાં જરૂર પડ્યે ફાયરવાન અને એમ્બ્યુલન્સ સરળતાથી આવન જાવન કરી શકે.
વરસાદના કારણે પાણી ભરેલી જગ્યાએ મટિરિયલ પાથરીને રસ્તાને સમથળ કરવામાં આવશે. કેબલ, ઇલેક્ટ્રીક અને સિવિલ વર્ક સહિતની તમામ કામગીરી પૂર્ણતાના આરે છે, તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે.ગૌતમ, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર તથા અમલીકરણ સમિતિઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







