ભરૂચમાં બુટલેગર્સ પાસેથી હથિયાર જપ્ત:બે ભાઈઓ પાસેથી લોડેડ પિસ્તોલ, કારતૂસ અને વિદેશી દારૂ મળ્યો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહીત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત પ્રોહી બુટલેગર ભાઇઓને લોડેડ પિસ્ટલ, જીવતા બે કાર્ટીઝ તથા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પ્રોહીબીશન તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર તથા અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે એલ.સી.બી.ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળા દ્વારા ખાસ ટીમો રચાઇ હતી. જે અનુસંધાને આજ રોજ પો.સ.ઇ.ડી.એ.તુવર તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં મારવાડી ટેકરા વિસ્તારથી થાર કાર સાથે હનીફ ઉર્ફે હન્નુ ઇમરાનશા કરીમશા દિવાનને નશાની હાલતમાં ઝડપી પાડ્યો. તેની કારના ડ્રોવરમાંથી હાથ બનાવટની મેગઝીન લગાવેલી પિસ્ટલ લોડેડ હાલતમાં તથા જીવતા બે કાર્ટીઝ મળી આવ્યા હતા. પોલીસે આગળની તપાસમાં તેના ભાઇ નવાબ ઉર્ફે નબ્બુના ઘરે દરોડો પાડી નાની-મોટી સીલબંધ વિદેશી દારૂની બોટલો,ચાર મોપેડ અને થાર કાર મળી કુલ ₹13,72,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરીના આદી હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી શરતી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાહીત પ્રવૃત્તિ ચાલુ રાખતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે. જ્યારે રાધે, રાહુલ, અનીલ ગામીત (રહે. સુરત)ને વોન્ટેડ જાહેર કરીને ભારતીય દંડ સંહિતા, આર્મ્સ એક્ટ, જી.પી.એક્ટ તથા પ્રોહી એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






