Rajkot: રાજકોટમાં ‘શૌર્યનું સિંદૂર લોકમેળા’નો આજથી થનારો ભવ્ય પ્રારંભઃ પાંચ દિવસ જામશે ‘મેળાની રંગત’
તા.૧૪/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, હેન્ડીક્રાફ્ટના ૨૦૦થી વધુ સ્ટોલ, ૫૦ જેટલા નાના મોટા ફજર-ફાળકા મેળાનું આકર્ષણ
લોકોના મનોરંજન માટે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાણીતા કલાકારો રમઝટ બોલાવશે
લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ, વોચ ટાવર અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અલાયદો સ્ટાફ ખડેપગે
Rajkot: રાજકોટમાં વર્ષોની પરંપરા મુજબ, આજે રાંધણ છઠથી ભાતીગળ ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનો આજથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મેળાને મહાલવા માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એકતરફ જન્માષ્ટમી પર્વની રજાઓનું મિનિ વેકેશન શરૂ થયું છે, ત્યારે રાજકોટમાં લોકમેળાનો આરંભ થઈ રહ્યો છે. આ મેળામાં લોકોના આનંદ માટે રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, હેન્ડીક્રાફટના ૨૦૦થી વધુ સ્ટોલ બનાવાયેલા છે. ચકડોળ વિના મેળાની મોજ અધૂરી ગણાય છે ત્યારે ૫૦ જેટલા નાના મોટા ફજર-ફાળકામાં લોકો પરિવારના સભ્યો સાથે મળીને આનંદ માણી શકશે.
મહત્વનું છે કે, રેસકોર્સના મેદાનની આશરે ૭૦ હજાર ચોરસ મીટર જગ્યામાંથી ૨૩ હજાર ચોરસ મીટર વિસ્તારનો જ ઉપયોગ કરી, બાકી ૪૬ હજાર ચોરસ મીટર જગ્યા ખાલી રાખવામાં આવી છે. ફ્રી મૂવમેન્ટ માટે પહોળા રસ્તાઓ તથા રાઈડ્સ વચ્ચે જગ્યા રાખવામાં આવી છે. જેના કારણે લોકો વધુ સરળતાથી મેળામાં મહાલી શકશે.
મેળામાં ચાર મુખ્ય કંટ્રોલરૂમ તથા પાંચ એન્ટ્રી તથા એક્ઝીટ રાખવામાં આવી છે.
લોકોની સલામતી અને સુરક્ષા માટે ત્રણ ડી.સી.પી., ૧૦ એ.સી.પી., ૨૮ પી.આઈ., ૮૧ પી.એસ.આઈ., ૧૦૬૭ પોલીસ કોન્સ્ટેબલ, ૭૭ એસ.આર.પી. મળીને ૧૨૬૬ પોલીસ કર્મચારીઓ ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત અલગ-અલગ જગ્યાએ વોચ ટાવર રાખવામાં આવ્યા છે. જેમાં પાંચ વૉચ ટાવર નજીકમાં ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત રાખવામાં આવી છે, જેમાં NDRF, SDRF, હેલ્થ, પોલીસ અને ફાયર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ સાથે એ.આઈ. આધારિત ડ્રોનથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. લોકમેળામાં રૂપિયા આઠ કરોડનો લાયેબિલિટી ઈન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે.
મેળામાં લોકોના મનોરંજન માટે પાંચેય દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રાજકોટ તેમજ બહારના જાણીતા ગૃપ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ગૃપ્સના વિવિધ કલાકારો દરરોજ બપોરે ૩.૪૫થી લઈને રાતે ૧૦ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જમાવશે. જેમાં અમદાવાદનું અઘોરી ગ્રૂપ, અલ્પાબેન પટેલ, રૂજુ જાદવ ગૃપ, રાજદાન ગઢવી, કચ્છના અનિરુદ્ધ આહિર જેવા જાણીતા કલાકારોના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, લોકમેળામાં ઉમટી પડનારા જન સમુદાય કોઈ તકલીફ વગર આરામદાયક રીતે મેળો માણી શકે તે માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા અને તૈયારી કરવામાં આવી છે. ગઈકાલે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે મેળાનાં સ્થળની મુલાકાત લઈને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તેમણે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ સભ્યોને તેમની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું.