અમદાવાદમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત ૭૦ દિવસમાં ૩૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર, ટૂંક સમયમાં ૪૦ લાખનો લક્ષ્યાંક પૂર્ણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને હરિયાળું અને પર્યાવરણમિત્ર બનાવવા માટે છેલ્લા કેટલાંક વર્ષોથી “મિશન મિલિયન ટ્રીઝ” અભિયાન સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી અંદાજિત ૧ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે.
ચાલુ વર્ષે “મિશન ફોર મિલિયન ટ્રીઝ” હેઠળ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાનનો પ્રારંભ ૫ જૂન ૨૦૨૫ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં “સિંદુર વન” ની સ્થાપનાથી થયો હતો. માત્ર ૭૦ દિવસમાં, એટલે કે ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૩૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવી ચૂક્યા છે. બાકીના ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર ટૂંક સમયમાં શહેરના તમામ ઝોનમાં ઉજવણીપૂર્વક ટ્રીગર ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવશે.
આ અભિયાનમાં શહેરીજનો, વિવિધ એનજીઓ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગોનો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો છે. વન વિભાગે રોપા, રેલવે વિભાગ, નહેર વિભાગ અને રેવન્યુ વિભાગે જમીન, તેમજ શિક્ષણ, પોલીસ અને ડિફેન્સ વિભાગે વાવેતર માટે જરૂરી સહાયતા પૂરી પાડી છે. શહેરની શાળાઓ, કોલેજો, તળાવો, STP/WDS પ્લાન્ટ, મ્યુનિસિપલ તથા સરકારી પરિસરોમાં વન મહોત્સવ ઉજવીને મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અભિયાનને ઘર-ઘર પહોંચાડવામાં આવ્યું છે, જેથી નાગરિકોની સક્રિય ભાગીદારીમાં વધારો થયો છે. ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કુલ ૩૦,૩૮,૫૭૪ વૃક્ષો વાવવામાં આવી ચૂક્યા છે. અ.મ્યુ.કો.ની નર્સરીઓમાંથી શહેરીજનોને નિ:શુલ્ક રોપાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી અત્યાર સુધી ૧ લાખથી વધુ નાના વૃક્ષો વાવવામાં આવી ચૂક્યા છે.
આ હરિયાળું અભિયાન માત્ર પર્યાવરણ સુધારવાનું નથી, પરંતુ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને પ્રકૃતિ સાથેનું સબંધ મજબૂત બનાવવાનો પ્રયત્ન છે. આજે વાવેલો નાનો રોપો આવતીકાલે છાંયો, ઓક્સિજન અને જીવનનો અમૂલ્ય ઉપહાર આપશે. ટૂંક સમયમાં અમદાવાદ શહેર એક એવી ઓળખ સાથે ઉભરશે જ્યાં પ્રકૃતિ અને પ્રગતિ હાથમાં હાથ નાખીને આગળ વધશે.




