
નર્મદા : દેવસ્થાન શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા “નિક્ષય મિત્ર” બની 256 દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં નિક્ષય મિત્ર દ્વારા પોષણ કિટ વિતરણ થકી 100 ટકા દર્દીઓને આવરી લેવાયા
જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખના વસાવાએ તમામ નિક્ષય મિત્રો, જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો હોવાથી, ટીબીના દર્દીઓને ઝડપથી નિદાન અને સમયસર પૂરતી સારવાર સાથે જરૂરી પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ટીબી રોગમાં દર્દીને પ્રોટીન યુક્ત આહાર અત્યંત જરૂરી છે કારણ કે, તે દવાઓની અસરકારકતા વધારવા સાથે દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ હેતુસર આજે બુધવારના રોજ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી અને સાગબારા મામલતદાર દિનેશભાઈ વસાવાના સંકલનથી દેવસ્થાન સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટે “નિક્ષય મિત્ર” બનીને દેડીયાપાડા અને સાગબારા તાલુકાના સરકારી દવાખાનામાં નોંધાયેલા 256 ટીબીના દર્દીઓને દત્તક લીધા છે. તેમને પોષણયુક્ત ન્યુટ્રિશન કિટનું આજે દેવમોગરા ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પોષણ આહાર કિટમાં દરરોજ ઉપયોગી પૌષ્ટિક પદાર્થો જેમ કે મગ-ચણા, ખજુર, સિંગદાણા, તેલનું પાઉચ સહિતની પ્રોટીનયુક્ત ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં નર્મદા જિલ્લામાં કુલ 489 ટીબીના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમને 6 મહિના સુધી દર મહિને ન્યુટ્રિશન કિટ આપવામાં આવશે. નર્મદા જિલ્લાના સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને નિક્ષય મિત્રોના સહકારથી 100 ટકા પોષણ કિટ આપી દર્દીઓને આવરી લેવામાં આવ્યા છે.
જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખનાબેન વસાવાએ નિક્ષય મિત્ર દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય વિભાગ તથા જિલ્લા ક્ષય નિર્મૂલન કચેરીના પ્રયાસોને જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. આ કામગીરી નર્મદા જિલ્લાને ટીબી મુક્તિ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. ટીબી જેવી જીવલેણ પરંતુ સારવાર યોગ્ય બીમારી સામે સક્રિય નિદાન, સમયસર સારવાર અને પોષણ પૂરું પાડવા જેવા પ્રયાસોથી જ “ટીબી મુક્ત ભારત”નું લક્ષ્ય હાંસલ થઈ શકે છે.



