Rajkot: કેબિનેટમંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લામાં અંદાજે રૂ.૧,૨૩૨ લાખના ખર્ચે ૧૦૩ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત તથા રૂ.૫૧ લાખના ખર્ચે ૦૬ આંગણવાડીનું લોકાર્પણ કરાયું

તા.૧૪/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“આજનું બાળક આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય : આંગણવાડી કેન્દ્ર ‘કેળવણી અને પોષણ’ સાથે બાળકના સર્વાગી વિકાસનો મજબૂત પાયો બનશે” કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે લોધીકા તાલુકાના મેટોડા ગામ ખાતેથી રાજકોટ જિલ્લામાં કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં અંદાજિત રૂ. ૧,૨૩૨ લાખના ખર્ચે નિર્માણ પામનારી ૧૦૩ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને રૂ. ૫૧ લાખના ખર્ચે નવનિર્મિત ૦૬ આંગણવાડી કેન્દ્રોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમવાર એકસાથે ૧૦૯ જેટલી આંગણવાડીનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યું છે. આંગણવાડીરૂપી “નંદ ઘર” વહેલી તકે શરૂ થશે અને જેનો લાભ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બાળકો લઈ શકશે. આજનું બાળક આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે ત્યારે તેમના સર્વાંગી ઉત્થાન માટે રાજ્યનું મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે. “સહી પોષણ દેશ રોશન”ના મંત્ર સાથે આંગણવાડી કેન્દ્ર પરથી બાળકોને યોગ્ય પોષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેમજ કિશોરી અને ધાત્રી માતાઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવે છે.
આ તકે લોધીકા તાલુકામાં મેટોડા-૧, મેટોડા-૨, ખીરસરા-૨, હરીપરપાળ-૨ તથા કોટડાસાંગાણી તાલુકામાં કોટડાસાંગાણી-૫, જૂની મેંગણી-૨ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં લોધીકા તાલુકામાં ૦૫, કોટડાસાંગાણી તાલુકામાં કુલ ૧૦, વિંછીયા તાલુકામાં ૦૯, જસદણ તાલુકામાં કુલ ૧૬, રાજકોટ (ગ્રામ્ય) તાલુકામાં ૧૩, જામકંડોરણા તાલુકામાં ૦૮, ઉપલેટા તાલુકામાં ૦૩, ગોંડલ તાલુકામાં ૧૯, જેતપુર તાલુકામાં ૧૪, ધોરાજી તાલુકામાં ૦૬ આંગણવાડી કેન્દ્રો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ જિલ્લામાં એકસાથે કુલ ૧૦૯ આંગણવાડી કેન્દ્રોને સુવિધાયુક્ત ભવન બનવા જઈ રહ્યા છે. જેના થકી બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓને સુગમ્ય વાતાવરણમાં સરકારી યોજનાઓના લાભ મળી રહેશે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, આઈ.સી.ડી.એસ.ના ચેરમેન શ્રી કંચનબેન બગડા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અલ્પાબેન તોગડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, અગ્રણીશ્રી વિશાલભાઈ ફાંગલીયા અને શ્રી પ્રકાશભાઈ વિરડા, જન પ્રતિનિધિશ્રીઓ, કલેકટરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રિયાંક ગલચર, પ્રાંત અધિકારીશ્રી વિમલ ચક્રવર્તી, મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.













