Rajkot: દેશના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજકોટ શહેરકક્ષાના કાર્યક્રમની આન-બાન-શાન સાથે ઉજવણી

તા.૧૫/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપતાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમ
સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિજનોનું સૂતરની આંટીથી અભિવાદન અને કર્મયોગીઓને સન્માનિત કરાયા : શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
દેશહિતમાં શ્રેષ્ઠ યોગદાન આપીને દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા નાગરિક ધર્મ નિભાવીએ
‘પ્રાકૃતિક કૃષિ અભિયાન’ હેઠળ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨,૩૦૯થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે
કોટડાસાંગાણી તાલુકામાં અદ્યતન રમત-ગમતનું મેદાન તૈયાર, હાલ સ્થાનિક યુવાનો તેનો ઉત્તમ રીતે લાભ લઈ રહ્યા છે
છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં વિચરતી/અર્ધવિચરતી જાતિના ૧૭૦ કુટુંબોને વ્યક્તિગત ઘરથાળના પ્લોટની વિનામૂલ્યે ફાળવણી કરાઈ
Rajkot: દેશના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજકોટ શહેરકક્ષાના કાર્યક્રમની આન-બાન-શાનથી ઉજવણી નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમની અધ્યક્ષતા અને શહેર પ્રાંત અધિકારી શ્રી ચાંદનીબેન પરમારની ઉપસ્થિતિમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે થઈ હતી. આ અવસરે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તથા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ રાજકોટ પોલીસ દળ, એન.સી.સી.ની બોયઝ બટાલિયન તથા એન.સી.સી.ની ગર્લ્સ કેડેટસની પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.
આ તકે નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, આ દેશના અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળી. આઝાદ, સાર્વભૌમ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશને વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત દેશ’ બનાવવાનું વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. આપણા પૂર્વજો દેશની આઝાદી માટે લડ્યા હતા. ત્યારે આપણે સૌ દેશહિતમાં શ્રેષ્ઠ યોગદાન આપીને દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા નાગરિક ધર્મ નિભાવીએ એ સમયની માંગ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે અને છેવાડાના વિસ્તારના લોકો સુધી તેના લાભો પહોંચે તેના માટે સતત કામગીરી કરી છે.
નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટના આંગણે અનેક દર્દીઓની સેવા કરી રહી છે. રાજકોટ જિલ્લામાં દરરોજ સરેરાશ ૩૭૦થી વધુ લોકો આયુષ્માન કાર્ડ હેઠળ આશરે રૂ. ૧.૧૬ કરોડની સારવાર મેળવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના હેઠળ ૧૫,૬૭,૧૪૬ કાર્ડ કાઢવામાં આવ્યા છે.
જિલ્લામાં ‘નમોશ્રી યોજના’ અંતર્ગત જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન ૨૫,૭૨૬ સગર્ભા માતાઓને રૂ. ૬.૪૩ કરોડની સહાય આપવામાં આવી છે. ‘પંડીત દીનદયાળ આવાસ યોજના’ હેઠળ રાજકોટ જિલ્લામાં ૨૨૫ લાભાર્થીઓને આવાસ બનાવવા માટે રૂ. ૯૫.૫૦ લાખની સહાય આપવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પ્રાકૃતિક કૃષિ અભિયાન’ હેઠળ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨,૩૦૯થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. મગફળી, સોયાબીન, તલ, મગ, અડદ તેમજ શાકભાજી, બાજરી અને બાગાયાતી પાકો સહિત કુલ ૨૮૧૮.૨૫ એકરમાં પ્રાકૃતિક કૃષિ થઈ રહી છે. બે જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલના વિવિધ ખેલાડીઓએ અત્યાર સુધીમાં રાજ્યકક્ષાએ ૮૦ મેડલ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ૩૦ મેડલ હાંસલ કર્યા છે. રાજકોટ જિલ્લાના કુલ ૧૦,૫૮૪ કેસો સુ-ઓ મોટો જુની શરતમાં ફેરવવાની ૯૭% કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં ઘરવિહોણી વિચરતી કે અર્ધવિચરતી જાતિના કુલ ૧૭૦ કુટુંબોને સ્થિર વસવાટના હેતુ માટે વ્યક્તિગત ઘરથાળના પ્લોટની વિનામુલ્યે ફાળવણી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘરવિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા હેતુથી છેલ્લા એક વર્ષમાં કુલ ૫૬૬ કુટુંબોને ગામતળના પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે.
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, દેશમાં આગામી ઓલિમ્પિક યોજાવાની સંભાવનાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા તાલુકા તથા ગ્રામ્ય સ્તરે સ્થાનિક યુવાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રમત-ગમતની બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમણે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોટડાસાંગાણી તાલુકામાં અદ્યતન રમત-ગમતનું મેદાન બનીને તૈયાર થઈ ગયું છે. જેનો હાલ સ્થાનિક યુવાનો ઉત્તમ રીતે લાભ લઈ રહ્યા છે. જિલ્લામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા કુલ ૧૬૩ લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરાયા છે. અત્યારે આપણા પાસે આઝાદીના અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવાનો સોનેરી અવસર છે. ત્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે, જેમાં આપણે સૌ ભાગીદાર બનીએ.
આ કાર્યક્રમમાં દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનારા રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિજનોનું સૂતરની આંટીથી અભિવાદન કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી કચેરીઓમાં ઉત્તમ કામગીરી કરનારા ૩૧ જેટલા કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ન્યુ એરા સ્કૂલ, ક્રિસ્ટલ સ્કૂલ, કોસ્મીક સ્કૂલ, એસ. જી. બદાણી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, સાંદીપની શાળા અને વિઝન સ્કુલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, અગ્રણીઓ શ્રી યશવંતભાઈ જનાણી, શ્રી સુશીલભાઈ ત્રિવેદી સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.







