
નર્મદા ભાજપમાં ખળભળાટ : મશાલ રેલી બાદ કમલમ ઓફિસમાં મારામારી, ધારાસભ્યના ભાઈ સામે ફરિયાદ
નર્મદા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર ધારાસભ્યના ભાઈનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના રાજપીપળામાં ૧૪મી ઓગસ્ટના રોજ ભાજપ દ્વારા આયોજિત મશાલ રેલી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ રેલી બાદ નર્મદા ભાજપની કમલમ ઓફિસ ખાતે બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર નાંદોદના ધારાસભ્યના ભાઈએ હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના અંગે ડૉ. ધવલ પટેલે રાજપીપળા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા બીજેપીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડો. ધવલ પટેલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ તડવી ૧૪મી ઓગસ્ટના રોજ રાજપીપળા ખાતે ભાજપ દ્વારા આયોજિત મશાલ રેલીમાં હાજર હતા. ત્યારે રેલી દરમિયાન, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ભાઈ રવિ દેશમુખે જીતેશભાઈના મોબાઈલ પર ફોન કરીને ડૉ. ધવલની ટિકિટ કપાઈ ના હોય હોવાની અફવા અંગે ગાળાગાળી કરી હતી અને તેમની ઔકાત બતાવી દેવાની ધમકી આપી હતી
આ ઘટના બાદ, જ્યારે ડૉ. ધવલ પટેલ સાંજે કમલમ ઓફિસ પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર રવિ દેશમુખે તેમની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને ખભા અને ગળાના ભાગે ઈજા થઈ હતી. આ સમયે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, પ્રદેશ સહ પ્રવક્તા ભરતભાઈ ડાંગર, યુવા મોરચાના પ્રભારી હરીકિશનભાઈ, શ્રવણભાઈ તડવી, મનિષભાઈ તડવી અને જિલ્લા સદસ્ય કિરણભાઈ વસાવા સહિતના અગ્રણીઓ હાજર હતા.
હુમલા બાદ રવિભાઈએ ડૉ. ધવલને ગરુડેશ્વરમાં રહેવા નહીં દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ડૉ. ધવલ પટેલે ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, રવિભાઈ ધારાસભ્યના ભાઈ હોવાથી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સામાન્ય કાર્યકર્તાઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાથી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


