Rajkot: “સર્વને સમાન ન્યાય” લોકમેળામાં કાયદાકીય જાગૃતિ ફેલાવતો રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સ્ટોલ

તા.૧૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
જનસમુદાયને ન્યાય સંબંધિત આવશ્યક કાયદાકીય બાબતો અંગે પ્રાથમિક માહિતી મળી રહેશે
Rajkot: રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા. ૧૮ ઓગસ્ટ સુધી ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળો યોજવામાં આવ્યો છે. જેમાં જનજાગૃતિ અર્થે વિવિધ સરકારી કચેરીઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે. લોકોમાં કાયદાકીય બાબતો વિશે જાગૃતિ ફેલાવવા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યો છે. આ સ્ટોલ પરથી મેળામાં આવતા વિવિધ મુલાકાતીઓને કાનૂની માર્ગદર્શન આપવામાં આવે છે.
મેળાના પ્રથમ દિવસે જ આ સ્ટોલનું મંડળના સેક્રેટરી શ્રી એચ. વી. જોટાણીયાએ ઉદ્ઘઘાટન કર્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી જે. આર. શાહના માર્ગદર્શન અનુસાર લોકમેળામાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સ્ટોલ ખાતે પેરા લીગલ વોલન્ટીયર્સ ઉપસ્થિત રહીને સવારે ૦૯ કલાકથી રાત્રે ૧૦ કલાક દરમિયાન લોકોને કાયદાકીય તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની સેવાઓ વિશે વિનામૂલ્યે માહિતી આપી રહ્યા છે.
લોકોને સમાન રીતે ન્યાય મળે, તેવા આશયથી ભારતના બંધારણમાં આપેલા રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરાયેલી જોગવાઈને ધ્યાનમાં રાખતા નિ:શૂલ્ક કાનૂની સહાય અને ન્યાય મેળવવાની તકોની ખાતરી આપવામાં આવે છે. કોઈપણ નાગરિકની આર્થિક પરિસ્થિતિ કે અન્ય વિસંગતતાઓના કારણે ન્યાય આપવાનું ટાળી શકાતું નથી. કાનૂની સહાય એ બંધારણીય જવાબદારી છે અને નાગરિકોનો હક છે. તેથી, જેઓ આર્થિક કારણોસર ન્યાય મેળવી શકતા નથી, તેમને માટે નિ:શૂલ્ક કાનૂની સહાયની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કાનૂની સેવા સત્તા મંડળ એ બાબતની ખાતરી આપવા માટે સતત પ્રયત્ન કરે છે કે સમાજના દરેક વર્ગને સમાન ન્યાય પ્રાપ્ત થાય અને તમામ નાગરિકોને સમાન તકોથી કાયદાકીય પ્રણાલી મુજબ ન્યાય મળે તેનું ધ્યાન રહે. ત્યારે બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત પાયાના સિદ્ધાંત ‘સર્વને સમાન ન્યાય’ને ધ્યાનમાં રાખી, તમામ જનસમુદાયને ન્યાય મેળવવા તથા આવશ્યક કાયદાકીય બાબતો અંગેપ્રાથમિક માહિતી મળી રહે, તે હેતુથી લોકમેળામાં આ સ્ટોલ કાર્યરત છે.







