
તાહિર મેમણ – ડેડીયાપાડા – 18/08/2025 – નર્મદા જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ થઈ રહી છે. જિલ્લામાં હાલમાં 621 ટીબી દર્દીઓ સરકારી દવાખાનામાં સારવાર મેળવી રહ્યા છે.
દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના 256 દર્દીઓને દત્તક લીધા છે. હરસિધ્ધી મંદિર સેવા ટ્રસ્ટે નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના 181 દર્દીઓને નિક્ષય મિત્ર તરીકે સ્વીકાર્યા છે.
જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ પણ પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને દત્તક લીધા છે. તમામ દર્દીઓને પોષણયુક્ત ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના લક્ષ્યને પહોંચવા માટે જિલ્લામાં સર્વે હાથ ધરાયો છે. 54,043 સંવેદનશીલ વ્યક્તિઓમાંથી 12,875 લોકોના ગળફાની તપાસ અત્યાધુનિક Trunaat મશીન દ્વારા કરવામાં આવી છે. આ કામગીરીમાં નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે છે.
વધુમાં, 15,310 લોકોના એક્સ-રે કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનક માઢક અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવાએ તમામ નિક્ષય મિત્રો, ટ્રસ્ટો અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો છે.




