AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શતાબ્દી ઉજવણી : ‘૧૦૦ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’નું જાહેર સન્માન, નવી યોજનાઓ સાથે શિક્ષણક્ષેત્રે નવો અધ્યાય

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા આ ઐતિહાસિક અવસર પર ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તથા પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ઉજવણી શહેરના શિક્ષણક્ષેત્રે એક નવો માઇલસ્ટોન પુરવાર થવાની આશા વ્યક્ત થઈ રહી છે.

આ મહોત્સવના ભાગરૂપે ‘100 શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’ની પસંદગી કરીને સમગ્ર શાળા પરિવારને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાશે. સાથે જ શાળા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેક નવી પહેલો હાથ ધરવામાં આવી છે. આમાં ખાસ કરીને “એલ્યુમની કનેક્ટ સ્કીમ” નો આરંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મ્યુનિસિપલ શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની માતૃશાળાઓ સાથે ફરીથી જોડવાનું ઉદ્દેશ્ય છે. આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જો આર્થિક સહાય રૂપે અનુદાન આપે તો તે અનુદાન સીધું જ તે શાળાના વિકાસમાં વપરાશે.

શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈએ જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલમાં મૂકાયા બાદ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આઈ.આઈ.ટી. ગાંધીનગરના સહયોગથી મ્યુનિસિપલ શાળાના તમામ 5202 શિક્ષકોને 30 કલાકની CPD (Continuous Professional Development) તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, 453 શાળાઓમાં વર્કશોપ દ્વારા 1,71,785 વિદ્યાર્થીઓને STEM (Science, Technology, Engineering, Mathematics) આધારિત પ્રયોગો કરાવવામાં આવશે, જ્યારે શ્રેષ્ઠ 60 શાળાઓના 25,000 વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી. ગાંધીનગર ખાતે શૈક્ષણિક વિઝિટ કરાવવામાં આવશે.

શતાબ્દી ઉજવણીના આ ભવ્ય કાર્યક્રમ અંગે ચેરમેન સુજયભાઈ મહેતાએ જણાવ્યું કે અમદાવાદના બાળકોને 100 વર્ષથી જ્ઞાન, સંસ્કાર અને શિક્ષણનું પોષણ આપનાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ઈતિહાસમાં આ પ્રસંગ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. “શતાબ્દી અનુપમ શાળાઓ”ની પસંદગી માટે ત્રણ તબક્કાનું મૂલ્યાંકન કરવામાં આવશે —

  • પ્રથમ તબક્કામાં સાક્ષરી વિષયોના MCQ આધારિત પરીક્ષણ દ્વારા 60% વેઇટેજ આપવામાં આવશે,

  • બીજા તબક્કામાં ભૌતિક સંસાધનો, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને શાળાકીય વ્યવસ્થાપનના 35 ગુણ રહેશે,

  • જ્યારે ત્રીજા તબક્કામાં શાળાના વાતાવરણ, સ્વચ્છતા અને શિસ્ત જેવા મુદ્દાઓના મૂલ્યાંકનને 5% વેઇટેજ આપવામાં આવશે.

વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવકે ઉમેર્યું કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં 100 વર્ષ માત્ર એક સંસ્થા માટે નહિ પરંતુ લાખો વિદ્યાર્થીઓના જીવન માટે એક પ્રેરણાસ્રોત છે. શ્રેષ્ઠ શાળાઓને સન્માન આપવું એ ભવિષ્યના શિક્ષણને નવી દિશા આપવાનો પ્રયાસ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ઉજવણી દ્વારા “વિકસિત ભારત @ 2047”ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આમ, શતાબ્દી મહોત્સવ માત્ર ભૂતકાળની સિદ્ધિઓનો ગૌરવગાન નથી, પરંતુ વર્તમાનના પ્રયાસોને માન્યતા અને ભવિષ્યના સપનાઓને નવી પ્રેરણા આપતો એક ઐતિહાસિક તબક્કો બની રહેશે.

Back to top button
error: Content is protected !!