Rajkot: રૂ ૧ લાખ કરોડની ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ થકી થશે ૩.૫ કરોડથી વધુ યુવાઓ માટે રોજગારીનું સર્જન

તા.૧૯/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સંકલન : રાજકુમાર
રોજગાર મેળવનારા યુવાનોને રૂ. ૧૫ હજાર, નોકરીદાતાઓને કર્મચારી દીઠ પ્રતિ માસ રૂ. ૩ હજાર સુધીનું પ્રોત્સાહન
Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓને નોકરીની વિપુલ તક આપતી ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ અમલી બનાવી છે. જે અન્વયે લાભાર્થીઓ માટે નોંધણીની સુવિધા આપતું પોર્ટલ લાઇવ થઈ ચુક્યું છે. આ યોજના યુવાઓ માટે રોજગાર સર્જન, રોજગાર ક્ષમતા વધારવા અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષા વધારવા માટે બહુમૂલ્ય હેતુ આવનરા બે વર્ષમાં સિદ્ધ થશે.
ગત ૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ નામની રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. રૂ. ૯૯,૪૪૬ કરોડના ખર્ચ સાથે, આ યોજનાનો ઉદ્દેશ બે વર્ષના સમયગાળામાં દેશમાં ૩.૫ કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાના લાભો ૧ ઓગસ્ટ ૨૦૨૫ થી ૩૧ જુલાઈ, ૨૦૨૭ વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.
આ યોજના પ્રથમ વખત નોકરી કરનારા યુવાઓને બે હપ્તામાં રૂ ૧૫ હજાર સુધીનું પ્રોત્સાહન અને નવી નોકરીની તકો ઉભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ ૩ હજાર સુધીનું પ્રોત્સાહન પૂરું પાડશે.
પહેલી વાર નોકરી મેળવનારા કર્મચારીઓને તમામ ચુકવણીઓ આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમ (ABPS)નો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડ દ્વારા કરવામાં આવશે. જયારે નોકરીદાતાઓને ચૂકવણી સીધી તેમના PAN-લિંક્ડ ખાતાઓમાં કરવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માટે નોકરીદાતાઓએ વિકસિત ભારત રોજગાર યોજના પોર્ટલ (https://pmvbry.epfindia.gov.in અથવા https://pmvbry.labour.gov.in) પર એક વખત નોંધણી કરવાની રહેશે. જયારે રોજગાર માટે પ્રથમ વખત અરજી કરનારાઓએ ઉમંગ એપ પર ઉપલબ્ધ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જનરેટ કરવાનો રહેશે.
યોજનાના ફાયદા
કર્મચારી: નવી નોકરી મેળવનારા યુવાઓને નોકરી પર તાલીમ રોજગાર માટે લાયક બનાવે છે, જેનાથી સતત રોજગાર દ્વારા રોજગાર ક્ષમતામાં સુધારો થશે. સાથોસાથ નાણાકીય સાક્ષરતા અને કુશળતા પ્રાપ્ત થશે. જયારે નોકરીદાતાઓને પણ ફાયદો થશે. જેમાં વધારાના રોજગારી સર્જનનો ખર્ચ ઓફસેટ કાર્યબળ સ્થિરતા અને ઉત્પાદકતામાં વધારો થશે. સાથોસાથ સામાજિક સુરક્ષાના કવરેજને પણ પ્રોત્સાહન મળશે.
પ્રથમ વખત નોકરી કરનારાને પ્રોત્સાહન
EPFO સાથે નોંધાયેલા પ્રથમ વખતના કર્મચારીને એક મહિનાનું EPF વેતન (રૂ. ૧૫ હજાર સુધી) બે હપ્તામાં મળશે. વધુમાં રૂ. ૧ લાખ સુધીના વેતન ધરાવતા કર્મચારીઓને લાભ મળવા પાત્ર રહેશે. તેઓને પેલો હપ્તો ૬ મહિના બાદ અને બીજો હપ્તો ૧૨ મહિના બાદ (સાથે નાણાકીય જાગૃતિ તાલીમ પૂર્ણ કર્યા બાદ) મળશે. પ્રોત્સાહનનો એક ભાગ બચત ખાતામાં જમા કરાશે. આશરે રૂ. ૧.૯૨ કરોડ પ્રથમ વખત નોકરી કરનારાને તેનો લાભ મળશે. કર્મચારીઓને ચુકવણી DBT (આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમ) મારફતે સીધી મળશે.
નોકરી દાતાને સહાય
બધા ક્ષેત્રોમાં વધારાના રોજગાર માટે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં આ યોજનાનો વિશેષ લાભ મળશે. રૂ. એક લાખ સુધીના વેતન ધરાવતા વધારાના કર્મચારીઓ પર પ્રોત્સાહન લાગુ પડશે. સરકાર દર કર્મચારી માટે પ્રતિ મહિને રૂ. ૩ હજાર સુધી બે વર્ષ માટે સહાય આપશે. ઉત્પાદન ક્ષેત્ર માટે આ પ્રોત્સાહન ત્રીજા અને ચોથા વર્ષે પણ મળી શકશે.
આ યોજનાનો લાભ મેળવવા માગતા નોકરીદાતાઓ EPFOમાં નોંધાયેલા હોવા જોઈએ અને ઓછામાં ઓછા ૫૦ કરતાં ઓછા કર્મચારીઓ હોય તો ૨ વધારાના કર્મચારી રાખવા પડશે. ૫૦ અથવા વધુ કર્મચારીઓ હોય તો ૫ વધારાના કર્મચારી રાખવા પડશે. નોકરીદાતાઓને ચુકવણી તેમની PAN સાથે જોડાયેલ બેંક ખાતામાં કરવામાં આવશે.
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ થકી આગામી બે વર્ષમાં ભારત દેશના યુવાઓને રોજગારની વિપુલ તક મળશે, સાથે વિવિધ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતામાં અનેકગણા વધારા સાથે દેશની આર્થિક ક્ષેત્રે ક્રાંતિ આવશે.
વિકસીત ભારત @ ૨૦૪૭ નાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે રોલ મોડેલની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે, રાજકોટ અને સૌરાષ્ટ્ર પણ આ યોજનાના અમલીકરણમાં ચોક્કસ એક કદમ આગળ આવશે. તાજેતરમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજકોટ એન્જીનીયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર, ગુજરાત શ્રી સુદિપ્તો ઘોષના અધ્યક્ષસ્થાને તેમજ રીજીઓનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર શ્રી સમીરકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહીત વિવિધ ઔદ્યોગિક એસોશિએશનના હોદેદારોએ ભાગ લીધો હતો






