
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી આરોગ્ય વિભાગ, દ્વારા વિશ્વ મચ્છર દિવસ – 20 ઓગસ્ટ 2025 ની ઉજવણી
અરવલ્લી જિલ્લામાં તા. 20 ઓગસ્ટ 2025ના રોજ વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને જીલ્લા મેલેરિયા અધિકારી નાં દિશાસુચનમાં જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર,વિસ્તારોમાં અને શાળાઓના બાળકોની ઉ૫સ્થિતિમાં વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત જન-જાગૃતિ લાવવા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવેલ સાથે જન-જાગૃતિ કાર્યક્રમો, પોસ્ટર પ્રદર્શન ,પોરા નિદર્શન, બેનર સહીત સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ.
આ કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓ તથા ગામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલી દરમિયાન “મચ્છર દૂર – જીવન સુરક્ષિત”, “સફાઈ રાખો – મચ્છર ભગાવો” જેવા સૂત્રોચ્ચાર સાથે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે જાગૃતિ ફેલાવવામાં આવી.રેલી બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃપ ચર્ચા યોજાઈ, જેમાં મચ્છરજન્ય રોગોના ઉપાયો અંગે માર્ગદર્શન અપાયું. ખાસ કરીને મચ્છરજન્ય રોગોનો ફેલાવો રોકવા મચ્છરજન્ય ઉત્પત્તિસ્થાનો,તેમજ પાણીના પાત્રોની સાફસફાઇ, ઘરમાં અને આસપાસ પાણી ન ભરાઈ રહે તે અંગે સાવચેતી,પાણી ભરવાના પાત્રોને ઢાંકણથી ઢાંકી રાખવા, ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવી, પોરાનાશક કામગીરી તેમજ દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ થાય તે હેતુસર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. આ ઉપાયો અપનાવવાથી મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચી શકાય છે.“મચ્છર નાના છે, પરંતુ તેમની અસરથી થતી બિમારીઓ મોટી છે. તેથી દરેક નાગરિક મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે સાવચેતી રાખે તો મચ્છરજન્ય રોગોથી પોતાનું તથા પરિવારનું રક્ષણ કરી શકાશે.”





