Rajkot: રાજકોટમાં ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ નિમિત્તે ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી રમતોત્સવ યોજાશે

તા.૨૦/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ત્રણ દિવસ સુધી રમત-ગમતને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે
હોકીના જાદુગર શ્રી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ ૨૯ ઓગસ્ટ સમગ્ર દેશમાં ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ તરીકે મનાવાય છે, ત્યારે દેશભરની સાથે રાજકોટ જિલ્લામાં ૨૯થી ૩૧ ઓગસ્ટ – ત્રણ દિવસ સુધી ‘રમતોત્સવ’ સહિત વિશિષ્ટ ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
લોકોમાં રમત-ગમત પ્રત્યે રૂચિ વધે, સ્પર્ધાના માધ્યમથી સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થાય, ખેલાડીઓને શાળા-કોલેજ-ગામથી આગળ વધીને રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે રમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન મળે તેમજ તંદુરસ્તી સારી રહે તેવો હેતુ આ આયોજનનો છે. જે અંતર્ગત એથ્લેટિક્સની વિવિધ રમતો, પરંપરાગત રમતો ઉપરાંત જાગૃતિ રેલી, ચિત્ર-નિબંધ સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું પણ આયોજન વિચારવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીની યાદીમાં જણાવાયા અનુસાર, નેશનલ સ્પોર્ટસ્ ડે-૨૦૨૫ નિમિત્તે ‘મેજર ધ્યાનચંદ જન્મ દિવસ – સ્પોર્ટસ્ અવેરનેસ સેલિબ્રેશન-૨૦૨૫’ અંતર્ગત ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.
જેમાં ૨૯મી ઓગસ્ટ સ્થાનિક પરંપરાગત રમત દિવસ તરીકે મનાવાશે. રાજકોટમાં તેનો મુખ્ય કાર્યક્રમ મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે યોજાશે. ઉપરાંત જિલ્લાની શાળાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા સ્તરે રમત સ્પર્ધા અને પ્રદર્શન મેચનું આયોજન કરવામાં આવશે.
૩૦મી ઓગસ્ટ વર્કશોપ અને કોન્ફરન્સ દિવસ તરીકેનો રહેશે. જેમાં જિલ્લાની શાળાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સ, તમામ નગર તથા જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો થશે. જેમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ, ફિટનેસ, હેલ્થ અને સ્પોર્ટસ્ કરિયર વિશે માર્ગદર્શન, રમત અંગે ચિત્ર-સ્પર્ધા, નિબંધ લેખન, ખેલાડીઓ અને શિક્ષકો વચ્ચે વાર્તાલાપ જેવા કાર્યક્રમોનું આયોજન થશે.
૩૦મી ઓગસ્ટે રેસકોર્સ રિંગરોડ ખાતે, સવારે ૭ કલાકથી ભવ્ય સાયકલ રેલી યોજવામાં આવશે. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓ, શિક્ષકો, કોલેજો, સ્પોર્ટસ્ ક્લબ, સાયકલિસ્ટ, એન.જી.ઓ., યોગબોર્ડ, પોલીસ જવાનો, ફાયરબ્રિગેડ સ્ટાફ, વિવિધ કર્મચારીઓ, રમતવીરો, નાગરિકો ભાગ લે તેવું આયોજન છે. દરમિયાન સાયકલ રેલીના રૂટ પર જાગૃતિ સંદેશા સાથેના બેનર, પોસ્ટર, સ્લોગન વગેરે દર્શાવાશે. આ ત્રિદિવસીય આયોજન માટે વિવિધ સ્તરે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.



